<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

ગોંડલના ભરૂડી પાસે ટાયર ફાટતા કાર ડીવાઇડર સાથે ભટકાઇ ટ્રકમાં અથડાઇઃ દિવ્‍યરાજસિંહનું મોત

ત્રણેય મિત્રો શાપર નજીક આવેલી હોટલે જમવા માટે જતા હતાઃ યુવાનના મૃત્‍યુથી પરિવારમાં આક્રંદઃ બે મિત્રોને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૩: રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરૂડી નજીક રાત્રીના કારનો અકસ્‍માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મોત નીપજ્‍યું હતું જયારે તેની સાથેના બંને મિત્રોને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. કાર ડિવાઈડર સાથે અથડાતા ટાયર ફાટયું હતું બાદમાં રોડની સાઈડમાં ઉભેલા ટ્રકમાં ઘુસી જતા આ અકસ્‍માત સર્જાયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્‍યું છે. ત્રણેય મિત્રો ગોંડલથી હાઇવે પર આવેલી હોટેલમાં જમવા જતા હતા ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

મળતી વિગત મુજબ ગોંડલના હડમતાળાના અને હાલ ગોંડલમાં રહેતા દિવ્‍યરાજસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ.૨૪) તેની સાથેના મિત્રો નરેન્‍દ્રસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૮) અને કુલદીપસિંહ જાડેજા (ઉ.વ.૨૫) ત્રણેય રાત્રે ગોંડલથી શાપર પહેલા શક્‍તિમાન કારખાના પાસે આવેલી અજયરાજ હોટેલએ કાર લઈને જમવા જતા હતા ત્‍યારે રાત્રે સાડા બારેક વાગ્‍યે ભરૂડી નજીક પેટ્રોલપંપ પાસે કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ટાયર ફાટતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને કાર સામેની સાઈડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્‍માત સર્જાતા આસપાસના લોકો સહિતના દોડી આવ્‍યા હતા અને ત્રણેય યુવકને કારમાંથી બહાર કાઢી રાજકોટ સિવિલ હોસ્‍પિટલએ ખસેડવામાં આવ્‍યા હતા જેમાં દિવ્‍યરાજસિંહને ગંભીર ઇજા હોવાથી તેનું મોત નીપજ્‍યું હતું જયારે નાય બંને મિત્રોને સામાન્‍ય ઇજા થતા સારવાર આપવામાં આવી હતી. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકી દ્વારા ગોંડલ તાલુકા પોલીસને કરવામાં આવતા પીએસઆઇ રાજેશ સોલંકી સહિતનો સ્‍ટાફ હોસ્‍પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

મળત્‍યુ પામનાર દિવ્‍યરાજસિંહ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો અને અપરણિત હતો. યુવકના મોતથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

(2:10 PM IST)