<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

જામનગર ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટ ખાતે ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્‍ટર

ન્‍યાય પ્રક્રિયાને સુલભ અને કાર્યક્ષમ બનાવવા નવતર પહેલ

જામનગર, તા.૩: સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના દિશા-નિર્દેશોને અનુસરીને ન્‍યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને સુલભ બનાવવાના ઉમદા હેતુસર આગામી તા.૪ સવારે ૧૦:૧૫ કલાકે જામનગર ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટ ખાતે ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્‍ટરનું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે.આ નવનિર્મિત સેન્‍ટર આધુનિક કાયદા, એટલે કે બી.એન.એન.એસ-૨૦૨૪ મુજબની સુવિધાઓથી સજ્જ છે. તેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સાક્ષીઓ અને પુરાવા આપનારાઓને ન્‍યાયિક પ્રક્રિયામાં સહભાગી થવા માટેની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.

આ ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્‍ટર સાક્ષીઓ અને કોર્ટ માટે અનેકવિધ ફાયદાઓ પ્રદાન કરશે.નિવળત્ત સરકારી કર્મચારીઓ અને કોર્ટના સાક્ષીઓ - એફ.એસ.એલ. નિષ્‍ણાત, પોલીસ અધિકારી, મેડીકલ ઓફિસર કે જેઓ અન્‍ય જિલ્લાઓમાં આવેલી અદાલતોમાં રૂબરૂ હાજર રહેવા અથવા મુસાફરી કરવા સક્ષમ નથી, તેઓ હવે પોતાના સ્‍થાનિક કક્ષાએ જ જામનગર ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટના આ સેન્‍ટરમાં હાજર રહીને વિડિઓ કોન્‍ફરન્‍સ દ્વારા પુરાવાઓ આપી શકશે. આનાથી સાક્ષીઓને લાંબી મુસાફરી અને તેના આનુષંગિક ખર્ચમાંથી મુક્‍તિ મળશે, જેનાથી તેમનો કિંમતી સમય અને પૈસા બંને બચશે. સાથે જ આ સેન્‍ટર સાક્ષીઓને તેમની અનુકૂળતા મુજબ પુરાવા આપવા માટેનું વાતાવરણ પણ પૂરું પાડશે,  આ પ્રણાલીથી ન્‍યાયિક પ્રક્રિયામાં તેમની સહભાગીતામાં વધારો થશે. નામદાર ગુજરાત હાઈકોર્ટેની સુચના અનુસાર  જામનગર ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટ ન્‍યાયિક પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, સુલભ અને સાક્ષી-કેન્‍દ્રિત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જિલ્લા ન્‍યાયાધીશ જામનગર દ્વારા આ સેન્‍ટરનું ઉદ્ધાટન કરવામાં આવશે, જે ન્‍યાય વ્‍યવસ્‍થામાં એક નવા અધ્‍યાયનો પ્રારંભ સૂચવે છે.

(1:09 PM IST)