News of Tuesday, 3rd June 2025
‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે જાગૃત્તિ અભિયાન :અમરેલી ખાતે પર્યાવરણ જનજાગૃત્તિ અર્થે વોકાથોન યોજાઇ : શહેરના નાગરિકો સહિત પોલીસ જવાનો વોકાથોનમાં જોડાયા
પર્યાવરણના જતન માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરવા આહ્વાન : જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો” થીમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ

અમરેલી, તા.૦૩ : આગામી તા.૫ જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના અનુસંધાને અમરેલી જિલ્લામાં જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૨૫માં પર્યાવરણ દિવસની ઉજવણી અર્થે “જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો” થીમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પર્યાવરણ પ્રત્યે જનજાગૃત્તિ વધે અને પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવામાં આવે તે માટે શાળા કોલેજ કક્ષાએ વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વૃક્ષારોપણ, વોકાથોન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
પર્યાવરણ દિવસની પૂર્વ ઉજવણીના સંદર્ભે અમરેલી શહેર ખાતે વોકાથોનનનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.
અમરેલી પ્રાંત અધિકારી શ્રી નાકિયા, અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી, વિવિધ રમત ગમતના કોચશ્રીઓ, પોલીસ જવાનો સહિત શહેરના નાગરિકો વોકાથોનમાં જોડાયા હતા અને વોકાથોનને સફળ બનાવી હતી.
અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના અનુસંધાને પ્લાસ્ટિક ઉપયોગ અટકે તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પર્યાવરણ પ્રત્યે નાગરિકોમાં જાગૃત્તિ આવે તે માટે નાગરિકોએ સ્વયંશિસ્ત કેળવવી જરુરી છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારણે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે સાથે પ્લાસ્ટિકના કારણે પશુઓના અને માનવના આરોગ્ય પર ખતરો તોળાઇ છે. નાગરિકો જાગૃત્ત બનીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કાયમી ધોરણે ઉપયોગ બંધ કરે તે જરુરી છે.
વોકાથોન બાદ ઉપસ્થિત નાગરિકોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવા માટે આહ્વાન કર્યું હતુ તેમ અમરેલી જિલ્લા રમત ગમત અધિકારી શ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
