<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

જામનગરમાં સત્ય સાઈ વિદ્યાલય ખાતે ચાલી રહેલા NCC કેમ્પમાં કલેક્ટર કેતન ઠક્કરે કેડેટ્સને આપ્યો 'રાષ્ટ્ર સેવા પરમો ધર્મ'નો મંત્ર : શિસ્ત અને સેવા પર ભાર:જુઓ વિડીયો

સિવિલ ડિફેન્સની વિશેષ તાલીમથી કેડેટ્સ કટોકટીમાં સમાજને મદદરૂપ થવા સજ્જ બનશે : ભવિષ્યની તૈયારી અને કારકિર્દી અંગે પ્રશ્નોત્તરી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : જામનગરના શ્રી સત્ય સાઈ વિદ્યાલય ખાતે ચાલી રહેલા નેવલ યુનિટના એન.સી.સી. (NCC) કેમ્પની જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે આજે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે યુવા કેડેટ્સને પ્રોત્સાહિત કર્યા અને તેમને 'રાષ્ટ્ર સેવા પરમો ધર્મ' નો મહત્વપૂર્ણ મંત્ર આપ્યો. કલેક્ટર ઠક્કરે જીવનમાં શિસ્ત, સેવા અને મહેનતનું મહત્વ સમજાવતા કહ્યું કે આ ગુણો માત્ર રાષ્ટ્રસેવા માટે જ નહીં, પરંતુ વ્યક્તિગત વિકાસ અને સફળતા માટે પણ અત્યંત જરૂરી છે. તેમના પ્રેરણાદાયી શબ્દોથી યુવા કેડેટ્સમાં દેશભક્તિ અને સમર્પણની ભાવના વધુ પ્રબળ બની હતી.
કેડેટ્સ સાથે સંવાદ અને ભવિષ્યનું માર્ગદર્શન:
મુલાકાત દરમિયાન, કેડેટ્સે પણ કલેક્ટર સમક્ષ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા અને કેમ્પમાં તેઓએ કઈ નવી બાબતો શીખી અને જોઈ તે વિશે જણાવ્યું હતું. સાથે જ, કેડેટ્સે પ્રશ્નોત્તરીના માધ્યમથી સંવાદ સાધ્યો, જેમાં તેઓએ ભવિષ્યની તૈયારી, દેશસેવામાં જોડાવા માટે શું કરવું, ઉચ્ચ અભ્યાસ અને તે માટેનું માર્ગદર્શન વગેરેની ચર્ચા કરી હતી. કલેક્ટર ઠક્કરે પણ ખૂબ જ રસાળ શૈલીમાં વિદ્યાર્થીઓને આ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું, જેનાથી એન.સી.સી. કેડેટ્સમાં પણ ઉત્સાહનો સંચાર થયો.
સિવિલ ડિફેન્સની વિશેષ તાલીમ:
આ એન.સી.સી. કેમ્પનો એક મુખ્ય હેતુ માત્ર શિસ્તબદ્ધ નાગરિકો જ નહીં, પરંતુ કટોકટીના સમયે સમાજને મદદરૂપ થઈ શકે તેવા સક્ષમ સ્વયંસેવકો પણ તૈયાર કરવાનો છે. આ હેતુસર, કેડેટ્સને સિવિલ ડિફેન્સની વિશેષ તાલીમ આપવામાં આવી હતી.
સિવિલ ડિફેન્સ તાલીમ એન.સી.સી. કેડેટ્સને કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ જેવી કે પૂર, ધરતીકંપ, મોટા અકસ્માતો કે આતંકવાદી હુમલા સમયે સામાન્ય નાગરિકોના જાનમાલનું રક્ષણ કરવા માટે સક્ષમ બનાવે છે. આ તાલીમ દ્વારા તેઓ આપત્તિ વ્યવસ્થાપન માટે તૈયાર થાય છે, પોતાના અને અન્ય લોકોના જીવ બચાવવા સક્ષમ બને છે અને પોલીસ, NDRF (નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ) અને અન્ય રાહત એજન્સીઓને મદદરૂપ થઈ શકે છે.
સિવિલ ડિફેન્સ અંતર્ગત કેડેટ્સને પ્રાથમિક સારવાર, ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર આપવી, ઘાવની સારવાર, ફ્રેક્ચરની સ્થિતિમાં મદદ, શોધ અને બચાવ વગેરેની તાલીમ અપાઈ હતી. આ તાલીમ દ્વારા એન.સી.સી. કેડેટ્સ ભવિષ્યમાં કોઈપણ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ બને છે અને "રાષ્ટ્ર સેવા પરમો ધર્મ" ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરે છે.
આ મુલાકાત દરમિયાન નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણ વી.કે. ઉપાધ્યાય, ૮ ગુજરાત નેવલ એન.સી.સી. યુનિટ જામનગરના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કમાન્ડર સ્નેહા રાય, એસોસિએટ એન.સી.સી. ઓફિસર્સ, પરમેનન્ટ ઇન્સ્ટ્રક્ટર તથા બહોળી સંખ્યામાં કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

 

(6:36 PM IST)