News of Tuesday, 3rd June 2025
જામનગર AHTU ટીમે રાજસ્થાનથી ત્રણ વર્ષ જૂનો અનડિટેક્ટ અપહરણ કેસ ઉકેલ્યો : સગીરા અને આરોપી ઝડપાયા!
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી PI એ.એ. ખોખરના નેતૃત્વમાં AHTU ટીમે પાલીથી રાજુરામ રાઠોડને દબોચ્યો

(મુકુંદ બદીયાણી દ્વારા), જામનગર : જામનગર જિલ્લામાં સગીરવયના બાળકોના અપહરણ અને ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે ચાલી રહેલા સઘન અભિયાન અંતર્ગત, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) જામનગરની ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. વર્ષ ૨૦૨૨ થી જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડિટેક્ટ અપહરણનો ગુનો (ગુ.ર.નં- ૨૧૩/૨૦૨૨, ઇ.પી.કો.કલમ- ૩૬૩) ઉકેલી, આરોપીને રાજસ્થાનના પાલી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં ત્રણ વર્ષ અગાઉ એક સગીરવયની બાળકીનું અપહરણ થયું હતું.
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર (IPS) રાજકોટ વિભાગ, રાજકોટ અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) જામનગરની સૂચના અને માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ખોખર (AHTU, જામનગર) દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઇન્સ્પેક્ટર ખોખરે AHTU ટીમના સ્ટાફને ગુમ થયેલી બાળાઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી, જેના આધારે સ્ટાફ સતત પ્રયત્નશીલ હતો.
માનવ સ્રોત (હ્યુમન સોર્સ) અને ટેકનિકલ એનાલિસિસના આધારે મળેલી ચોક્કસ માહિતીને પગલે, AHTU ટીમને જાણ થઈ કે આરોપી રાજુરામ રાણારામ રાઠોડ ખેતાણી (ઉંમર ૩૭ વર્ષ, ધંધો કડિયાકામ, રહે. મુલિયાવાસ પંચાયત રૂપાવાસ, થાના જેતપુર, જિલ્લો પાલી, રાજસ્થાન) ભોગ બનનાર સગીરા અને તેના બાળક સાથે રાજસ્થાનના પાલી ખાતે છે.
આ માહિતી મળતા જ, પી.આઈ. એ.એ. ખોખર અને એ.એસ.આઈ. રણમલભાઈ કારાભાઈ ગઢવી (AHTU, જામનગર) સહિતની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી રાજસ્થાનના પાલી પહોંચી, આરોપી, ભોગ બનનાર બાળકી અને તેના બાળકને શોધી કાઢ્યા અને તેમને હસ્તગત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં AHTU જામનગરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ખોખર, એ.એસ.આઈ. રણમલભાઈ કારાભાઈ ગઢવી, એ.એસ.આઈ. રાજદીપસિંહ ખુમાનસિંહ ઝાલા, પો.હેડ.કોન્સ. કિરણબેન રણછોડભાઈ મેરાણી અને પો.કોન્સ. ભાવનાબેન નાગજીભાઈ સાબળીયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જામનગર પોલીસની આ કાર્યદક્ષતા અને ટેકનોલોજીના યોગ્ય ઉપયોગથી એક જટિલ કેસનો ઉકેલ આવ્યો છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
