<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

પ૪ વર્ષ પહેલા માધ્‍યમિક શાળાથી છોડરૂપ સ્‍થપાયેલી ૧૬ સંસ્‍થાની વટવૃક્ષ

બનેલ એસ.એન.ડી.ટી. શાળાના પૂર્વ છાત્રોનું સ્‍નેહમિલન યોજાયું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૪ :.. ૧૯૭૦ ના સમયમાં જયારે શહેરમાં વિદ્યાર્થીઓને ભણવા માટે એકજ જી. વી. જે. હાઇસ્‍કુલ હતી ત્‍યારે તત્‍કાલીક  વેપારી અગ્રણીઓ અરવિંદભાઇ બરછા, કલુભાઇ બજરીયા સહિતના તુલસીભાઇ ગોકાણી સહિતના અગ્રણીઓને શહેરમાં ગ્રાંટેડ હાઇસ્‍કુલ ઉભી કરવાનો ઉત્તમ વિચાર આવ્‍યો અને અહીં ઠાકરશી ગ્રુપનો મોટો વાડો જે અગાઉ ધર્મબાગના નામે જાણીતો હતો તે બીન ઉપયોગી જેવો પડયો હોય તે જગ્‍યા માંગતા તેમણે આપતા અહીં અંગ્રેજોના સમયમાં જેમને લેડીનો ઇલકાબ મળેલો તથા સાડી પહેરી રીવોલ્‍વર પટ્ટે બાંધતા તે શ્રીમતી નાથીબેન દામોદર ઠાકરશીના નામથી એસ. એન. ડી. ટી. શાળાની તા. ૧૩-૬-૭૮માં શરૂઆત થઇ જેનું સંસ્‍કાર એજયુકેશન ટ્રસ્‍ટ ૧૯૬૮ માં સ્‍થપાયું હતું.

પ૪ વર્ષમાં ઢગલાબંધ ડોકટરો, વકીલો, ઇજનેરો તથા મોટા વેપારીઓ, રાજકીય હોદેદારો, સમાજ અગ્રણીઓની સમાજને ભેટ આપનાર આ સંસ્‍થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઇ-બહેનોના સ્‍નેહમિલનનો ભવ્‍ય કાર્યક્રમ સંસ્‍થામાં તા. ૩૧-પ તથા ૧-૬-રપ એમ બે દિવસ યોજાયો હતો. અગાઉથી રજિસ્‍ટેશન કરીને યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક શહેરોમાંથી ભૂતપૂર્વ છાત્રો અહીં આવ્‍યા હતા તથા તેમના સમયના શિક્ષકો પણ અહીં જોડાયા હતા તથા વિદ્યાર્થી જીવનના સંસ્‍મરણોની ખાટી - મીઠી યાદો તથા તેમના સમયની વિવિધ યાદો વિશિષ્‍ટ પ્રસંગો તાજા કર્યા હતાં.

વિદેશ રહેતા પૂર્વ છાત્રો ગોહેલ (લંડન), નીલા ઝવેરી (યુ. કે.) તથા ડો. પંકજ ચોકસી, એલ. આઇ. સી. અધિકારીઓ હરેશભાઇ બારાઇ, પરેશભાઇ ભૂત, અગ્રણીઓ તરીકે હાલમાં સ્‍થાન મેળવેલા અનેક પૂર્વ છાત્રો  છાત્રાઓ  ભીખુભાઇ ઘાટાલી, વિનુભાઇ બેડીયા, વિનુભાઇ ધુયલા, હિતેન્‍દ્ર આચાર્ય, જનક સોનગરા, મધુબેન સાયાણી, બીનાબેન મારવાહ, જયશ્રીબેન કાનાબાર, જયોતિબેન મંકોડી, સુરેશભાઇ લાલ, રાજેન્‍દ્રસિંહ વાઢેર સહિતના અનેક પૂર્વ છાત્રો સોશ્‍યલ મીડીયામાં  ગ્રુપો બનાવીને આ યાદગાર પ્રસંગોમાં જોડાયા હતાં.

ટ્રસ્‍ટીઓ પરાગભાઇ બરછા, શૈલેષભાઇ કાનાલી, બીપીનભાઇ ગોકાણી વિ. જોડાયા હતાં. 

(1:22 PM IST)