<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

જામનગરના શ્રી હેમેશ્વર મહાદેવ મંદિરમાં જેઠ સુદ -નોમ એટલે માહેશ્વરી વંશોસ્પતિ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી

શ્રી હેમેશ્વર મહાદેવના મંદિરમાં ધજારોહણ તેમજ શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા : નાના બાળકોથી લઈને વરિષ્ઠ લોકો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા દોડ જેવી સ્પર્ધાઓ યોજાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૫ : રાજસ્થાનના લોહગલ ખાતે મહેશ નોમનાં દિવસે માહેશ્વરી વણિક સમાજની ઉત્પત્તિ થઇ હતી, જે નિમિતે દર વર્ષે મહેશનોમ સમિતિ, જામનગર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

જેની ઉજવણી અંતર્ગત તા. ૩૧.૫ ૨૦૨૫નાં રોજ સમાજના નાના બાળકોથી લઈને વરિષ્ઠ લોકો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા દોડ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ તા. ૧.૬.૨૦૨૫નાં રોજ સાંજે વિવિધ સ્પર્ધના વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો અપાયા હતા, અને સમાજના બાળકો દ્વારા કૃતિઓ રજુ કરાઇ હતી., સમાજના સી.એ. થયેલાઓનું સન્માન કરાયું હતું, તેમજ વર્ષ દરમ્યાન વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનારઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના શ્રેષ્ઠીઓ અને મોભીઓ તથા પરિવારના સભ્યો ઉપસ્થિત રહયા હતા. સમારંભને અંતે સમસ્ત માહેશ્વરી વણિક સમાજનો સ્વરૂચી સમૂહભોજન સમારોહ યોજાયો હતો.

ત્યારબાદ તા. ૪.૬.૨૦૨૫ ને મહેશનોમના દિવસે સવારે જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક આવેલા શ્રી હેમેશ્વર મહાદેવના મંદિરમાં ઘ્વજા પૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં, મંદિરથી ધજા પતાકા અને ધ્વજાજી સાથે ધોતી અને ઝભ્ભા જેવા પરંપરાગત વસ્ત્રોમાં શોભતા માહેશ્વરી વણિક સમાજના શ્રધ્ધાળુઓએ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. જેમાં સમાજના ૧૮ વર્ષ થી ૮૫ વર્ષ સુધીના લોકો ઉત્સાહભેર જોડાયા હતા.

 શોભાયાત્રા દરમ્યાન સમાજની મહિલાઓ તથા યુવાનો રાસ રમ્યા હતા, અને  સર્વેશ સમીર સારડાએ તલવાર નૃત્ય રજૂ કર્યું હતું. બાદમાં નીજ મંદિરના શિખર ઉપર ઘ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સમાજના દરેક શ્રધ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કરીને આવતા વર્ષે ફરીથી ધ્વજાજીની મહાપૂજાના સંકલ્પ સાથે છુટા પડ્યા હતા.

 આ તકે મહેશનોમ નિમિત્તે માહેશ્વરી વણિક સમાજ દ્વારા શ્રી હેમેશ્વર મહાદેવ ની નૂતન ધ્વજા આરોહણના પાવન કાર્યક્રમના આયોજનમાં જામનગરના મહાદેવ હર મિત્ર મંડળ ના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ) અને તેમની ટીમ તથા જામનગર મહાનગર પાલિકાના ફાયર વિભાગનો સહયોગ પ્રાપ્ત થયો હોવાથી સર્વે નો આભાર વ્યક્ત કરાયો હતો.

(1:12 PM IST)