<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

થાનગઢ નજીક ગુગલિયાણાની ફેક્‍ટરીમાં શંકાસ્‍પદ ઘી મળી આવ્‍યું

રિફાઈન્‍ડ કરાયેલું પામોલીન ઓઇલ પણ પકડાયું ૫૨૦ કિલો છૂટક ઘી, શ્રીભોગ ઘીનાં ૧૯૫૦ પેકેટ, બટરનાં ૬૫ બોક્‍સ સીઝ કરાયાં

થાનગઢ તા.૫: થાન-ચોટીલા રોડ ઉપર આવેલી શિવ ઈન્‍ડસ્‍ટ્રીઝ નામની ફેક્‍ટરી અને ગુગલીયાણા વિસ્‍તારમાં આવેલી પેઢીમાં પુરવઠા વિભાગ અને ફૂડ વિભાગે દરોડો પાડી તપાસ કરતાં શંકાસ્‍પદ જણાઈ આવેલું ૫૨૦ કિલો છૂટકથી. શ્રીભોગ બ્રાન્‍ડના ધીનાં ૧૯૫૦ પેકેટ અને બટરનાં ૬૫ બોક્‍સ મળીને કુલ,૧૩,૧૬,૯૦૦ નો મુદ્દામાલ  સિઝ કરાયો છે.

આ બંને જગ્‍યાના માલિક એક જ હોઈ આ માલ ડુપ્‍લિકેટ છે કે નહીં તેની તપાસ માટે ઘીના ૨,તેલના ૨ અને માખણનો ૧ નમૂનો લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયો છે.

ચોટીલા અને થાન પંથકમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાની વિગતો ધ્‍યાને આવતાં પુરવઠા અધિકારી એ. જી. ગજ્જર અને ફૂડ વિભાગના પીયૂષ સાવલિયાએ ચોટીલા થાન રોડ ઉપર રાજેશભાઈ ભરતભાઈ ચાવડાની શિવમ્‌ ઇન્‍ડસ્‍ટ્રીઝ નામની ફેક્‍ટરીમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગની આ કામગીરીમાં શંકાસ્‍પદ જણાતો ૫૨૦ કિલો છૂટક ઘીનો જથ્‍થો, શ્રીભોગ બ્રાંડના ઘીનાં ૧૯૫૦ પેકેટ અને બટરનાં ૬૫ બોક્‍સ મળીને કુલ રૂ. ૧૩,૧૬,૯૦૦ નો મુદ્દામાલ સીઝ કરાયો હતો.

આ બાબતે પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરે જણાવ્‍યું હતું કે વેપારીની થાનગઢ ખાતેના ગુગલીયાણામાં આવેલી અન્‍ય પેઢી મેસર્સ મહેશ્વરી પ્રોડક્‍ટ્‍સ એન્‍ડ કેમિકલ્‍સમાંથી રિફાઈન્‍ડ કરાયેલું પામોલીન ઓઇલનો જથ્‍થો પણ મળી આવ્‍યો છે. આ ઓઇલનો નમૂનો લઈને લેબોરેટરીમાં મોકલી અપાયો છે. સીઝ કરેલા જથ્‍થા અંગે હવે પુરવઠા વિભાગ કાર્યવાહી કરશે.

(11:53 AM IST)