<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

જામનગરમાં સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે ડીમોલિશનની કામગીરી પાંચ દિવસના અંતે પૂર્ણ : ૩૩૧ આસામીઓની ૩૫૫ થી વધુ મિલકતો પર બુલડોઝર ફેરવી દેવાયા બાદ રસ્તા પરનો કાટમાળ ખસેડવા કાર્યવાહી

જામનગર મહાનગરપાલિકા દ્વારા આ માર્ગ પર તાત્કાલિક અસરથી ડિવાઇડર, માર્કીંગ તથા નવો પેવર રોડ બનાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૫ : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવાર થી સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે ૧૨ મીટર રસ્તો પહોળો કરવા માટેની ડી.પી. કપાતની કામગીરીનો પ્રારંભ કરાયો હતો, ગઈકાલે પાંચ દિવસ સુધીમાં ૩૩૧ આસામીઓની કુલ ૩૫૫ થી વધુ  મિલકતો તોડી પાડવામાં આવી છે, અને ડીમોલેશનનો કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.

સ્વામિનારાયણ નગર થી ચેક ગાંધીનગર સુધી સાડા ત્રણ કિ.મી. નો રસ્તો ખુલ્લો કરી દેવાયો છે, અને આજે અલગ અલગ બે ટુકડીઓને દોડતી કરાવાઇ છે. જે તમામ દ્વારા રસ્તા પર પડેલો કાટમાળ વગેરેને ખસેડવાની કામગીરી ચાલી રહી છે, અને સમગ્ર ડિમોલેશનની કાર્યવાહીને આખરી ઓપ આપી દઈ રસ્તો ખુલ્લો કરાવવામાં આવી રહ્યો છે.

 નજીકના ભવિષ્યમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આ માર્ગ પર તાત્કાલિક અસરથી ડિવાઇડર, માર્કીંગ તથા નવો પેવર રોડ બનાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવશે, અને નજીકના સમયમાં જ લોકોને અવરજવર કરવા માટેનો ગાંધીનગર થી છેક સ્વામિનારાયણ નગર સુધીનો નવો રસ્તો પ્રાપ્ત થઈ જશે. અને અંદાજે બે લાખથી વધુ લોકોને ખૂબ જ સગવડતા મળશે.

 જામનગરના ડી કેવી રોડથી જી.જી. હોસ્પિટલ રોડ, અને અંબર ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિક રહે છે, જેમાંથી પણ લોકોને મુક્તિ મળશે. સાથો સાથ રોડ કાપવાનું અંતર પણ ઘટી જશે.

(12:14 PM IST)