News of Thursday, 5th June 2025
ચૂંટણીમાં દિવ્યાંગજનોની સહભાગીતા વધારવા જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા બેઠક : દિવ્યાંગ વ્યક્તિઓની ચૂંટણી પ્રક્રિયામાં કાર્યક્ષમ અને અસરકારક સહભાગિતા માટે યોગ્ય વાતાવરણ ઊભું થાય તે માટે અસરકારક કામગીરી હાથ ધરવા સૂચન
ચૂંટણી પ્રક્રિયામાં સક્રિયતા દાખવવા અને મતદાન અંગે જાગૃતિ લાવવા જિલ્લાના સૌ દિવ્યાંગજનોને સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા અપીલ કરાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫ : ચૂંટણીઓમાં દિવ્યાંગ મતદારોની ભાગીદારી વધારવા અને તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને "ડિસ્ટ્રિક્ટ મોનિટરિંગ કમિટી ઓન એક્સેસિબલ ઇલેકશન્સ"ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે કાર્યરત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કલેક્ટરશ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ દિવ્યાંગ મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય અને અસરકારક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે દિવ્યાંગ મતદારોનું મતદાન મથકવાર મેપિંગ કરવા અને તેમના અદ્યતન ડેટાની જાળવણી કરવા, હજુ સુધી નોંધણી ન કરાવેલ દિવ્યાંગ વ્યક્તિઓની ઓળખ કરીને તેમને મતદાર યાદીમાં નોંધવા માટે ખાસ ઝુંબેશ ચલાવવા, "સુગમ મતદાન મથક" અને "સુગમ મતદાન જાગૃતિ અભિયાન" હેઠળ અવરોધમુક્ત વાતાવરણ બનાવવા પગલાં લેવા, જિલ્લામાં યોજાનારી તમામ ચૂંટણીલક્ષી તાલીમોમાં દિવ્યાંગોની વિશેષ જરૂરિયાતોનો સમાવેશ કરવો, દિવ્યાંગ વ્યક્તિઓની મતદાર તરીકે નોંધણી અને ચૂંટણી પ્રક્રિયામાં તેમની સહભાગિતા વધે તે માટે ખાસ જાગૃતિ કેમ્પનું આયોજન કરવું, દિવ્યાંગોની ચૂંટણીમાં ભાગીદારી વધારવા માટે દિવ્યાંગ સમુદાયમાંથી "ડિસ્ટ્રિક્ટ આઈકોન" (District Icon) ની નિમણૂક કરવી વગેરે મુદા પર ભાર મુક્યો હતો.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા અપાયેલ દિવ્યાંગોની કાર્યક્ષમ અને અસરકારક ભાગીદારી અંગેના નિર્દેશોનો અમલ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે.દિવ્યાંગ વ્યક્તિઓની ચૂંટણી પ્રક્રિયામાં કાર્યક્ષમ અને અસરકારક સહભાગિતા માટે યોગ્ય વાતાવરણ ઊભું થાય તે માટે સૌ સાથે મળી પ્રયાસ કરે તે જરૂરી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, કાર્યપાલક ઈજનેર, શ્રીરામ મૂક બધિર બહેરા મુંગા શાળાના આચાર્યશ્રી, અને અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના સંસ્થાપકશ્રી સહિતના પદાધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
