News of Thursday, 5th June 2025
જેતપુરના થાણા ગાલોલ ગામે ખેત મજૂરી કરતા પરિવારના અઢી વર્ષના બાળકનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી કરુણ મોત!
વાડીમાં કામ કરતા માતા-પિતાની નજર ચૂકતા સર્જાઈ દુર્ઘટના : રમતા રમતા બાળક પાણી ભરેલી કુંડીમાં પડ્યું, સારવાર મળે તે પહેલા જ જીવનદીપ બુઝાઈ ગયો : એક અઠવાડિયામાં ડૂબવાની બીજી ઘટનાથી ચિંતા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર : જેતપુર તાલુકાના થાણા ગાલોલ ગામે એક અત્યંત કરુણ ઘટના બની છે. અહીં ખેત મજૂરી કરતા એક પરપ્રાંતીય પરિવારનું અઢી વર્ષનું માસૂમ બાળક વાડીમાં આવેલી પાણીની કુંડીમાં પડી જવાથી મોતને ભેટ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, થાણા ગાલોલ ગામે આવેલી વીરજીભાઈ ઉંધાડની વાડીમાં પરપ્રાંતીય મજૂરો ખેત મજૂરી કરી રહ્યા હતા. ગઈકાલે, આ મજૂરો વાડીમાં પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે તેમનો અઢી વર્ષનો બાળક હાર્દિક રવિન્દ્રભાઈ રમતા રમતા અચાનક નજરથી દૂર થઈ ગયો. બાળક ન દેખાતા માતા-પિતાએ તેની શોધખોળ શરૂ કરી.
શોધખોળ દરમિયાન, બાળક હાર્દિક પાણી ભરેલી કુંડીમાં મળી આવતા પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તાત્કાલિક તેને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ, સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધનીય છે કે, જેતપુર પંથકમાં એક જ અઠવાડિયામાં બાળક ડૂબવાની આ બીજી ઘટના છે. અગાઉ પણ આવી જ એક કરુણ ઘટના બની હતી. આ પ્રકારની ઘટનાઓ ખેડૂતો અને ખાસ કરીને ખેત મજૂરી કરતા પરિવારો માટે ચિંતાનો વિષય બની છે, કારણ કે વાડી વિસ્તારમાં ખુલ્લી પાણીની કુંડીઓ બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે. બાળકોની સુરક્ષાને લઈને વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત પર આ ઘટના ભાર મૂકે છે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
