News of Friday, 6th June 2025
જામનગરમાં મોબાઈલ-ટેબલેટ ચોરીનો મોટો ગુનો ડિટેક્ટ : સિટી 'બી' ડિવિઝન પોલીસે ₹૧.૧૮ લાખના ૧૪ ફોન-ટેબલેટ સાથે બે ચોર ઝડપ્યા!
૪ દિવસ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : બેડેશ્વર પુલ નીચે મોબાઈલના ભાગ પાડતા શખ્સો ઝડપાયા : ટેકનિકલ એનાલિસિસ અને બાતમીના આધારે પોલીસે સન્ની સરવૈયા અને વિક્રમ પરમારને દબોચ્યા

(મુકુંદ બદીયાણી દ્વારા), જામનગર, ૫ જૂન, ૨૦૨૫: જામનગર શહેરમાં ચાર દિવસ પહેલા થયેલી મોબાઈલ ફોન અને ટેબલેટ ચોરીનો મોટો ગુનો જામનગર સિટી "બી" ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડે ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલા કુલ ૧૪ મોબાઈલ ફોન અને ટેબલેટ, જેની અંદાજિત કિંમત ₹૧,૧૮,૫૦૦/- છે, તે કબ્જે કરીને બે ઈસમોને ઝડપી પાડ્યા છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર, જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચના તથા પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. ઝાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો વાહન ચોરી અને ઘરફોડ ચોરીના બનાવોને અટકાવવા તેમજ અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે સક્રિય હતા.
આજરોજ, ૫ જૂન, ૨૦૨૫ ના રોજ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ સંજયભાઈ પરમાર, પો.કોન્સ કલ્પેશભાઈ અઘારા અને પો.કોન્સ જયદીપસિંહ જાડેજાને સંયુક્ત રીતે ટેકનિકલ એનાલિસિસ અને ખાનગી બાતમી રાહે ચોક્કસ હકીકત મળી હતી. તેમને માહિતી મળી હતી કે, બેડેશ્વર પુલ નીચે બે ઈસમો મોબાઈલના ભાગ પાડી રહ્યા છે.
આ હકીકતના આધારે, સ્ટાફના માણસો તુરંત હકીકતવાળી જગ્યાએ પહોંચ્યા હતા. ત્યાં બે ઈસમો અલગ અલગ કંપનીના મોબાઈલ સાથે ઉભેલા જોવા મળ્યા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતા તેઓના નામ (૧) સન્ની જગદીશભાઈ સરવૈયા (કોળી, ઉંમર ૨૯, ધંધો: મજૂરી, રહે. નવાગામઘેડ, પંચાયત ઓફિસ પાસે, જામનગર) અને (૨) વિક્રમ ઉર્ફે રોટી સુરેશભાઈ પરમાર (કોળી, ઉંમર ૨૫, ધંધો: મજૂરી, રહે. નવાગામઘેડ, ગોપાલચોક, જામનગર) હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે તેમની પાસેથી નીચે મુજબના મોબાઈલ ફોન અને ટેબલેટ કબ્જે કર્યા હતા:
* ૩ રીયલમી કંપનીના એન્ડ્રોઈડ ફોન (ગોલ્ડન અને બ્લુ કલર) – કિંમત પ્રત્યેક ₹૯,૦૦૦/-
* ૨ ટેકનો કંપનીના આછા વાદળી કલરના એન્ડ્રોઈડ ફોન – કિંમત પ્રત્યેક ₹૫,૦૦૦/-
* ૧ વીવો કંપનીનો આછા કાળા કલરનો એન્ડ્રોઈડ ફોન – કિંમત ₹૭,૦૦૦/-
* ૧ વીવો કંપનીનો સિલ્વર કલરનો એન્ડ્રોઈડ ફોન – કિંમત ₹૭,૦૦૦/-
* ૧ મોટોરોલા કંપનીનો બ્લુ કલરનો મોટો એન્ડ્રોઈડ ફોન – કિંમત ₹૧૪,૦૦૦/-
* ૧ ઓપો કંપનીનો આછા વાદળી કલરનો એન્ડ્રોઈડ ફોન – કિંમત ₹૧૨,૦૦૦/-
* ૧ ઓપો કંપનીનો મેગ બ્લેક કલરનો એન્ડ્રોઈડ ફોન – કિંમત ₹૧૨,૦૦૦/-
* ૧ ઓપો કંપનીનો એન્ડ્રોઈડ ફોન – કિંમત ₹૨૨,૦૦૦/-
* ૩ લેનોવો કંપનીના કાળા કલરના ટેબલેટ – કિંમત પ્રત્યેક ₹૨,૫૦૦/-
આમ, પોલીસે કુલ ₹૧,૧૮,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગુનો સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાગ એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૮૨૫૧૩૪૯/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ નોંધવામાં આવ્યો છે. પો.હેડ.કોન્સ સંજયભાઈ ડી. પરમાર દ્વારા મજકુર ઈસમોની ધોરણસર અટકાયત કરવામાં આવી છે. આ ગુનો ખાનગી બાતમીદારો, સી.સી.ટી.વી. ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી શોધી કાઢવામાં આવ્યો છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. ઝા, પો.સબ.ઇન્સ એમ.વી. મોઢવાડીયા, પો.હેડ.કોન્સ દશરથસિંહ પરમાર, સંજયભાઈ પરમાર, પો.કોન્સ જયદીપસિંહ જાડેજા, પો.કોન્સ કલ્પેશભાઈ અઘારા અને વિપુલભાઈ ગઢવી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
