News of Friday, 6th June 2025
પૂ.અમરગીરીબાપુની કાલે ચાદરવિધી : અનેક ગામ ધુવાડાબંધ જમણવાર
ચરાડવામાં શ્રી મહાકાળી આશ્રમે બ્રહ્મલીન પૂ. દયાનંદગીરી મહારાજના ઉતરાધિકારી : આજે રાત્રીના સંતવાણીની રમઝટઃ કાલે સવારે સમાધી પૂજન સોડષી ભંડારોમાં સાધુ સંતો, સિધ્ધ મહાત્માઓ, યોગીઓ, જોગીઓ, સિધ્ધ ચોરાસી પધારશે

રાજકોટ તા. ૬ :.. હળવદ તાલુકાના ચરાડવામાં આવેલ શ્રી મહાકાળી આશ્રમનાં બ્રહ્મલીન પૂ. દયાનંદગીરી મહારાજના આદરપાત્ર શિષ્ય પૂ. અમરગીરીબાપુની કાલે ચાદરવિધી કરવામાં આવશે.
જે અંતર્ગત આજે રાત્રીના સંતવાણીની રમઝટ બોલશે. કાલે સવારે ૮ વાગ્યે સમાધી પૂજન, ૯ વાગ્યે ચાદરવિધી તથા સવારે ૧૦ વાગ્યે સંતો આર્શિવચન પાઠવશે. જયારે બપોરે ૧ર વાગ્યે મહાપ્રસાદ તથા અનેક ગામો માટે ધુવાડા બંધ મહાપ્રસાદ યોજાશે.
શ્રી મહાકાળી માતાજીના ઉપાસક અનંત વિભુસીત શ્રીશ્રી ૧૦૦૮ બ્રહ્મલીન ગુરૂદેવ શ્રી દયાનંદગીરી બાપુ ગુરૂશ્રી બ્રહ્મગીરીજી મહારાજ સંવત ર૦૮૧, વૈશાખ વદ, ભદ્રકાળી એકાદશી, તા. ર૩-પ-ર૦રપ, શુક્રવારના રોજ બ્રહ્મલીન થયેલ છે. જેમનો સોડષી ભંડારો સંવત ર૦૮૧, જેઠ સુદ ભીમ અગીયારસ તા. ૭-૬-ર૦રપ, શનીવારના રોજ રાખેલ છે. બ્રહ્મલીન શ્રી દયાનંદગીરી બાપુના ઉતરાધીકારી મહંતશ્રી અમરગીરીજી બાપુની ચાદરવીધી રાખેલ છે. જેમાં શ્રધ્ધા અને ભકિત ભાવથી સાધુ-સંતો સિધ્ધ મહાત્માઓ, યોગીઓ, જોગીઓ, સિધ્ધ ચોરાસી પધારશે.
આ નિમિત્તે ૬ જૂન ને શુક્રવારના રોજ રાત્રે ૧૦ કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં અરવિંદ ભારથી, ભનુભાઈ આડેદરા અને મીલનભાઈ પટેલ ઉપસ્થિત રહી ભજનની રમઝટ બોલાવશે. જ્યારે ૭ જૂન ને શનિવારના રોજ રાત્રે ૧૦ કલાકે સંતવાણી કાર્યક્રમમાં ભગવતીબેન ગોસ્વામી અને નૈતિક વ્યાસ ભજનની રમઝટ બોલાવશે.
પ. પૂ. દયાનંદગીરી બાપુના ભંડારા નિમિતે આજુ બાજુના ગામોને ગ્રામ સમસ્ત પ્રસાદ લેવા આમંત્રણ આપેલુ છે. જેમાં ચરાડવા અને ગોડુળીયા ગામ ધુવાડા બંધ તથા સમલી, વાંકીયા, કડીયાણા, દેવીપૂર, વાકળા, ખરેડા, ઝીકીયારી, સુરવદર, પ્રતાપગઢ, જુના દેવળીયા, નવા દેવળીયા, ધુળકોટ ગામના ભકતજનો પણ મહાપ્રસાદ લેશે.
ભાવિકોને લાભ લેવા મહંતશ્રી અમરગીરીબાપુ બ્રહ્મલીન ગુરૂવર્યશ્રી દયાનંદગીરીજી મહારાજ શ્રી મહાકાળી આશ્રમ ચરાડવા, તા. (હળવદ), જી. મોરબી. મો. ૯૪ર૯૬ પ૦પ૧પ દ્વારા આમંત્રણ પાઠવાયુ છે. (પ-૮)
પૂ.દયાનંદગીરીજી મહારાજના પુણ્ય સ્મરણાર્થે છોટા કાશી હળવદમાં રવિવારે સાંજે બ્રહ્મચોર્યાશી
ભજન-સંતવાણી સાથે શ્રી શરણેશ્વર વૈદિક પાઠશાળાના રૂષિકુમારો શાસ્ત્રોકત મંત્રોચ્ચારો સમુહ પઠન કરશે
હળવદ,તા.૬: હળવદ તાલુકાના ચરાડવા મહાકાળી આશ્રમના મહંત અને તપસ્વી સંત પરમ પૂજય ગુરુ શ્રી દયાનંદગીરિજી મહારાજના પુણ્ય સ્મરણાર્થે છોટાકાશી હળવદ ખાતે બ્રહ્મ ચોર્યાશીનું આયોજન કરવામાં આવ્યુ છે.
બ્રહમચોર્યાશી તા.૮.૬.૨૦૨૫, રવિવાર સાંજે ૬ કલાકે શ્રી ગાયત્રી માતાજી મંદિર, શ્રી ઓૈદીચ્ય બ્રહ્મસમાજ ભોજનશાળા, હળવદ ખાતે યોજાશે.
આ સાથે બ્રહ્મ ચોર્યાશીમાં પૂજયસાધુ સંતશ્રીઓ પોૈરાણીક ભજન અને સંતવાણી ની રમઝટ બોલાવશે અને શરણેશ્વર વૈદિક પાઠશાળાના ઋષિ કુમારો શાસ્ત્રોકત મંત્રોચારનું સમૂહ પઠન કરશે.
બ્રહ્મચોર્યાસીમાં ભુપેન્દ્રભાઇ પ્રેમશંકરભાઇ જાની (બિલ્ડર મુંબઇ) વિપુલભાઇ મણિલાલભાઇ દવે (બિલ્ડર અમદાવાદ) છે. (૩.૩)
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
