તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
કોટડાસાંગાણીના શિશકના પોસ્ટ કર્મચારીના પુત્ર સહિત બે સામે પોલીસ ફરીયાદ
ગામના ખેડૂતોના એક કરોડથી વધુ પડાવ્યા છેઃ પોસ્ટલ વિમાના રૂા. ૪૦ લાખની લાલચ આપી ખેડૂતના ૧૦ લાખ પડાવી લીધા

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ તા. ૬ :.. કોટડાસાંગાણી તાલુકાના શિશક ગામના એક ખેડૂતને પોસ્ટલ વિમા યોજના હેઠળ રૂા. ૪૦ લાખ અપાવવાનું કહી શિશક પોસ્ટ ઓફિસના કર્મચારીના પુત્ર સહિત બે શખ્સો એ રૂા. ૧૦ લાખ પડાવી લીધાની કોટડાસાંગાણી તાલુકા પોલીસ મથકમાં લેખીત ફરીયાદ થઇ છે. કોટડાસાંગાણી તાલુકાના શિશક ગામે રહેતા અને ખેતી કરતા કેશવભાઇ પરસોતમભાઇ મારૂ એ કોટડા સાંગાણી પોલીસ મથકમાં આપેલી ફરીયાદમાં જણાવ્યું છે કે મેં મારા મિત્ર શિશક પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા ધીરૂભાઇ ભાલાળાની સલાહથી તા. ૧૦-૮-ર૦૦પ માં પોસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સમાં રૂા. એક લાખનો વિમો ઉતરાવ્યો હતો અને તેની પાકતી મુદત તા. ૧૦-૮-ર૦ર૦ હતી આ વિમાનું પ્રીમીયમ મેં રોકડાથી ચુકવણું કર્યુ હતું.
બાદમાં ધીરૂભાઇ ભાલાળાનું કોરોના કાળમાં અવસાન થતા મેં પોલીસીનું પ્રીમીયમ ભરવાનું બંધ કર્યુ હતું. બાદમાં શિશક પોસ્ટ ઓફીસમાં તરૂણભાઇ પંચાસરા નોકરીએ આવ્યા હતાં. તરૂણભાઇ પંચાસરાના દિકરા ગૌરવ તરૂણભાઇ પંચાસરાએ શિશક પોસ્ટ ઓફીસમાં ઇન્સ્યોરન્સ અંગેની ખોટી અને વાહીયાત લોભામણી લાલચ આપી મને પણ પોસ્ટ ઓફીસે બોલાવીને જણાવેલ કે તમારી પોલીસમાં તમને રૂા. ૪૦ લાખ મળવા પાત્ર છે. તમારી પોલીસી ચાલુ છે. અને તમે રોકડા રૂપિયા લઇને આવો એટલે પોલીસીમાં નાણા ભરીને તમે પોલીસીનો લાભ લઇ શકો છો આમ તેણો લાલચ આપી મારી પાસેથી અત્યાર સુધીમાં ટૂકડે ટૂકડે અંદાજે રૂા. ૧૦ લાખ પડાવી લીધા છે. સમય જતા ગૌરવ તરૂણભાઇ પંચાસરા મને જણાવેલ કે તમારે મારી પાસે ગોંડલ તાલુકાનું મોવિયા પોસ્ટ ઓફીસ અને ગોંડલ પોસ્ટ ઓફીસ તેમજ રાજકોટ પોસ્ટ ઓફીસે આવવું પડશે તેમ કહી ત્યાં લઇ ગયા હું બિમાર હોવા છતાં તેની સાથે ગયો અને લાંબા સમય સુધી બેસાડી રાખેલ તે કોઇ સાહેબને મળવા જાવ છું કહેલ કે તમારૂ કામ થઇ જશે. તમારે નાણા આપવા પડશે બાદમાં પોસ્ટ ઓફીસે બોલાવી મારી પાસેથી કોરા ચેકની માંગણી કરતા મેં સહી કરાવી તથા કાગળોમાં સહીઓ કરાવી લીધી હતી અને તેણે પોતાના નામના ચેક ભરી ગોંડલની બેંકમાંથી નાણા ઉપાડી લીધાની નાણા પણ આરોપી ગૌરવ તરૂણભાઇ પંચાસરાએ પડવી લીધા તે નાણા પણ આરોપી ગૌરવ તરૂણભાઇ પંચાસરા લીધા હતાં. આ બધી વાતથી મને ટેન્શન આવતા મારા પુત્ર કમલેશ મારૂને બધી હકિકત જણાવી હતી તેણે ગૌરવ પંચાસરાને ફોન કરતા જણાવ્યું કે જે છે તે તમારી ડાયરીમાં લખેલ જ છે. રકમ તમે ભરો તો અલગ-અલગ રકમની પોલીસીનો લાભ મળશે બાદમાં કમલેશભાઇ મારૂને અજાણ્યા શખ્સનો ફોન આવેલ અને આ પોસ્ટવાળી લાલચ આપી જણાવેલ કે તમારા પિતાની પોલીસીની રકમ રૂા. ૪૦ હજાર તમે ગુગલ પે દ્વારા ટ્રાન્સફર કરી આપો પોલીસી ભરી શકો છો! આથી અમે ગુગલ પે દ્વારા ફોન આવેલ તે નંબરમાં ટ્રાન્સફર કર્યા હતાં.
બાદમાં અમારી પાસેથી કોરો ચેક ગૌરવ પંચાસરાએ પોલીસી ભરવા માટે લઇ લીધા હતા અને નાણા ઉપાડી લીધા હતાં. થોડા સમય બાદ ગૌરવ તરૂણભાઇ પંચાસરા શિશક ગામે આવતા કમલેશભાઇ મારૂના મિત્રને વાત કરતા તેણે કહેલ કે આ મોટું કૌભાંડ છે. આપણા ગામમાંથી ગૌરવ પંચાસરા અને તેના અજાણ્યા મિત્રોએ ખેડૂતો મહેનતના રૂા. એક કરોડથી વધુ પડાવી લીધા છે. અને પોલીસ કેસ કરવાની અને માર મારવાની ધમકી આપી નાણા પડાવવાનું કામ કરે છે. અમે અનેક વખત ગૌરવ તરૂણભાઇ પંચાસરા પાસે નાણાની માંગણી કરતા વારંવાર બહાના બતાવેલ અને ઉડાવ જવાબ આપ્યા કરે અમે વારંવાર સંપર્ક કર્યા પણ આજ સુધી અમોને નાણા નથી આપ્યા છેતરપીંડી વિશ્વાસઘાત કર્યા છે. આ શખ્સોએ અમારી પાસેથી છૂટક છૂટક રૂા. ૧૦ લાખ પડાવી લીધા છે. અને કોરા ચેકમાં સહી તેમજ કાગળમાં પણ સહી કરાવી લીધેલ છે. જેથી ગૌરવ પંચાસરા તથા તેના મળતીયાઓ સામે ફરીયાદ દાખલ કરી આરોપીઓને કડકમાં કડક સજા કરવાની અરજ છે. તેમ આ ફરીયાદમાં જણાવ્યું છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
