તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 6th June 2025
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે જામનગર જિલ્લાના પ્રવાસે : ૪૩૦ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના ઈ લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે
બે ફલાય ઓવરબ્રિજ, મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પ્લેક્ષ અને નવી હોસ્ટેલ સહિત ૩૦ કાર્યોથી જામનગરમાં વિકાસનો નવો અધ્યાય : કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક પણ યોજાશે

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, ૬ જૂન: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે, ૭ જૂનના રોજ જામનગર જિલ્લાની મુલાકાત લેશે. તેમના આગમનથી જામનગરમાં વિકાસના નવા યુગનો પ્રારંભ થશે, કારણ કે તેઓ શહેરના ટાઉનહોલ ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં રૂ. ૪૩૦ કરોડથી વધુના ખર્ચે વિવિધ ૩૦ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સવારે ૧૦:૧૫ કલાકે જામનગર એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાંથી તેઓ સીધા શહેરના ટાઉનહોલ જવા રવાના થશે, જ્યાં તેઓ અનેક વિકાસ કાર્યોના ડિજિટલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ બાદ, મુખ્યમંત્રી કલેક્ટર કચેરી ખાતે જામનગર જિલ્લા સંકલન સમિતિના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી, જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.
રૂ. ૩૪.૭૪ કરોડના ખર્ચે લોકાર્પણ થનાર મુખ્ય પ્રકલ્પો:
આવતીકાલે જે વિકાસકાર્યોનું લોકાર્પણ થનાર છે તેમાં મુખ્યત્વે આરોગ્ય અને શહેરી સુવિધાઓને લગતા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે:
* લાલપુર રોડ પર પમ્પ હાઉસ પાછળની જગ્યામાં રૂ. ૧૩.૨૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર.
* હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર રૂ. ૧૦.૬૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ડો. શ્યામપ્રસાદ મુખર્જી શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર.
* જામનગર મહાનગરપાલિકા ઓફિસ કેમ્પસમાં રૂ. ૮.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવું જનરલ બોર્ડ બિલ્ડિંગ.
* ગુરુ ગોબિંદસિંગ હોસ્પિટલમાં રૂ. ૩૫ લાખના ખર્ચે બનેલા બે પે એન્ડ યુઝ ટોઈલેટ બ્લોક.
શિક્ષણ વિભાગને લગતા લોકાર્પણના કાર્યોમાં કનસુમરા વાડી પ્રાથમિક શાળામાં વધારાના ૫ ક્લાસરૂમ (રૂ. ૧ કરોડ), રાફુદડ પ્રાથમિક શાળામાં ૩ ક્લાસરૂમ (રૂ. ૬૦ લાખ), ધ્રોલ વાડી શાળા-૪ માં ૨ ક્લાસરૂમ (રૂ. ૪૦ લાખ), હમાપર પ્રાથમિક શાળામાં ૧ ક્લાસરૂમ (રૂ. ૨૦ લાખ) અને નિકાવા આંગણવાડી (રૂ. ૧૦ લાખ) નો સમાવેશ થાય છે.
રૂ. ૩૯૫.૭૬ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત થનાર મુખ્ય પ્રકલ્પો:
જામનગરના ભવિષ્યના વિકાસને વેગ આપનારા અનેક મોટા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે થશે:
* જામનગર શહેરના ઠેબા બાયપાસ જંકશન પર રૂ. ૮૪.૮૮ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રિજ.
* શહેરના સમર્પણ સર્કલ જંકશન પર રૂ. ૫૦.૦૭ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રિજ.
* ટી.પી. સ્કીમ નં. ૫ પર રૂ. ૩૫.૨૧ કરોડના ખર્ચે મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પ્લેક્ષ (ઓડિટોરિયમ).
* રૂ. ૨૨.૭૬ કરોડના ખર્ચે ૧૦ એમ.એલ.ડી. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સીવેજ પમ્પિંગ સ્ટેશન.
* લાલપુર બાયપાસ રોડ પર રૂ. ૬.૫૫ કરોડના ખર્ચે ફાયર સ્ટેશન.
* રૂ. ૫.૧૮ કરોડના ખર્ચે સમર્પણ ઈ.એસ.આર.થી સત્યમ કોલોની, સમર્પણ સર્કલ તથા ખોડીયાર મંદિર સુધી ડી.આઈ. પાઈપ લાઈન.
* પટેલ કોલોની શેરી નં. ૧૨ માં પી.એન. માર્ગથી નવી હાઈકોર્ટ બિલ્ડિંગ થઈને ગાંધીનગર થઈ માજોઠીનગર રેલવે ટ્રેક પુલિયા સુધી રૂ. ૪.૫૨ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાનું કામ.
* પટેલ કોલોની શેરી નં. ૧૨ માં પી.એન. માર્ગથી નવી હાઈકોર્ટ બિલ્ડિંગ થઈને ગાંધીનગર સુધી રૂ. ૨.૭૮ કરોડના ખર્ચે સી.સી. રોડ.
* લાલવાડી વિસ્તાર, મચ્છનગર, દિગ્વિજય પ્લોટ ૪૯, કિર્તી પાનથી સરદાર પાર્ક, ધરારનગર-૨ અને વોર્ડ નં. ૧૬ જેવા વિવિધ વિસ્તારોમાં સી.સી. રોડ અને સ્ટ્રોમ વોટર પાઈપ ડ્રેનેજના રૂ. ૧ કરોડથી ઓછી કિંમતના અનેક નાના પણ મહત્વના કામો.
આ ઉપરાંત, એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં રૂ. ૧૧૫.૩૯ કરોડના ખર્ચે નવી યુ.જી. બોયઝ હોસ્ટેલ અને પી.જી. બોયઝ હોસ્ટેલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત તેમજ સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલનું અપગ્રેડેશન અને નવા બાંધકામના કામનું રૂ. ૫૮.૨૬ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આ મુલાકાત જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે, જે નાગરિકોને વધુ સારી સુવિધાઓ અને માળખાકીય વિકાસ પૂરો પાડશે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
