<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

ગોંડલમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ; રસ્તા પર પાણી ફરી વળ્યા

ભારે પવન ફૂંકાવના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગોંડલવાસીઓએ ગરમીમાંથી મુક્તિ

ગોંડલ :સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા ળ્યો હતો.ગોંડલમાં સવારથી અસહ્ય ઉકળાટ અને બફારાને અંતે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સૂર્યદેવના આકરા તાપ અને ભેજવાળા વાતાવરણના કારણે બફારાથી લોકો પરસેવે ન્હાઈ રહ્યા હતા. આજે પણ બપોર સુધી અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો હતો.

જો કે બપોર પછી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને થોડીવારમાં જ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન ફૂંકાવના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગોંડલવાસીઓએ ગરમીમાંથી મુક્તિનો અનુભવ કર્યો હતો.

ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યાં બાળકો વરસાદમાં ન્હાવાની મજા માણતા જોવા મળ્યા હતા. બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ આશાનું કિરણ લઈને આવ્યો છે. ભીમ અગિયારસના શુભ મુહૂર્ત પર થયેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. હવે ખેડૂતો પોતાના ખેતરોમાં વાવણીની તૈયારીઓ શરૂ કરી દેશે. આ પ્રથમ વરસાદને વાવણીલાયક વરસાદ ગણવામાં આવી રહ્યો છે. ખેડૂતોને આશા છે કે, આ વર્ષે પણ સારો પાક થશે અને તેમની મહેનત રંગ લાવશે.

(10:34 PM IST)