News of Saturday, 7th June 2025
કડી અને વિસાવદર ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસનો ગંભીર છબરડો : કોંગ્રેસ છોડીને ભાજપમા ગયેલા નેતાઓને પોસ્ટરમાં સ્થાન !!
ચૂંટણીમાં આટલી મોટી ભૂલ કોંગ્રેસ દ્વારા થતાં ખળભળાટ મચી જવા પામ્યો: પોસ્ટરો નવા છે કે જુના ? લોકોમાં રમૂજ સાથે ઉઠતા સવાલ

કોંગ્રેસે વિસાવદર અને કડીમાં ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે. આ પ્રચાર દરમિયાન એક વીડિયોમાં કોંગ્રેસની મોટી ભૂલ સામે આવી છે. કોંગ્રેસ છોડીને ભાજપમા ગયેલા નેતાઓનો પોસ્ટરમાં સમાવેશ કરાયો છે. અર્જુન મોઢવાડિયા, નરેશ રાવલ અને દિનેશ શર્માનો કોંગ્રેસના પોસ્ટરમાં સમાવેશ કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયાં છે. અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. નરેશ રાવલ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા છે. જ્યારે દિનેશ શર્મા અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા છે. અર્જુન મોઢવાડિયા, નરેશ રાવલ અને દિનેશ શર્માએ કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
કોંગ્રેસના બંને ઉમેદવારો હાલમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયાં છે. પરંતુ કોંગ્રેસમાં ક્યાંકને ક્યાંક ઉકળતો ચરૂ જોવા મળ્યો છે. અંદરો અંદરના જૂથવાદમાં કોંગ્રેસે ભાજપનો ખેસ ધારણ કરી ગયેલા નેતાઓને પોતાના પોસ્ટરમાં સ્થાન આપી દેતા અનેક પ્રકારની રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી ટાણે જ કોંગ્રેસના લગ્ન અને રેસના ઘોડાઓ સામ સામે આવી ગયાં છે. ત્યારે ચૂંટણીમાં આટલી મોટી ભૂલ કોંગ્રેસ દ્વારા થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ પોસ્ટરો નવા છે કે જૂના તે અંગે કોંગ્રેસના એક પણ નેતાની ટિપ્પણી હજી સુધી સામે આવી નથી.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
