તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 7th June 2025
મોરબીમાં ક્રીપ્ટો કરન્સીના નામે ઠગાઇ કરતી ગેંગ પકડાઇ
સાયબર ક્રાઇમની ટીમે દોઢ કરોડની ઠગાઇ કરનાર ટોળકીને હાલોલ-ગોધરા પંથકમાંથી ઝડપી લીધાઃ સુત્રધારની શોધખોળ : એક લાખમાં બેન્ક એકાઉન્ટ ભાડે રાખી છેતરપીંડીની રકમ જમા કરાવતા'તા પકડાયેલ ત્રિપુટી ૩દિ'ના રીમાન્ડ ઉપર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૭: મોરબીના વેપારી સાથે ક્રીપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૂપિયા ૧.૫૧ કરોડની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડીના બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધાયાના ૧૨ દિવસમાં જ બેન્ક એકાઉન્ટ નંબરના આધારે તપાસ કરી હાલોલના બે અને ગોધરાના એક આરોપીને દબોચી લઈ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે દોડધામ શરૂ કરી છે.
મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા અને શક્તિ ચેમ્બરમાં સીમકો સેલ્સ એજન્સીના નામે વેપાર કરતા નૈમિશ કનૈયાલાલ પંડિત નામના વેપારીએ બે અલગ અલગ વોટ્સએપ મોબાઈલ નંબર ધારક તેમજ અન્ય સાત બેન્ક એકાઉન્ટ ધારક સહિત નવ આરોપીઓ વિરુદ્ધ યુએસડી ક્રીપ્ટો કરન્સીમા રોકાણ ક૨વા લોભામણી લાલચ આપી ૧,૫૧,૦૨,૫૦૦ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવી લઈ આજદિન સુધી પરત નહિ આપતા છેતરપિંડી કરતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવમાં મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ કે.કે.દરબાર અને તેમની ટીમને મહત્વની સફળતા મળી છે. વેપારી પાસેથી છેતરપિંડીથી નાણાં મેળવી લેનાર સાયબર ગઠિયા પૈકી પોલીસે હાલોલના બેન્ક એકાઉન્ટ ધારક રાકેશ સોલંકીને ઝડપી લેતા આરોપીએ વટાણા વેરી દઈ અન્ય બે આરોપીના નામ કબુલતા પોલીસે આરોપી રાકેશ રાઠવા રહે.હાલોલ અને ગોધરાના અરવિંદ પરમાર નામના શખ્સને પણ ઉપાડી લેતા બન્ને શખ્સો સાયબર ગઠિયા માટે બેન્ક એકાઉન્ટ ભાડે મેળવી આપતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલમાં ત્રણેય આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર હોય પોલીસ જુદી-જુદી વિગતો ઓકાવી રહી છે.
સાયબર છેતરપિંડીમાં મેળવેલી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે સાયબર ગઠિયા ભલાભોળા અભણ કે અજ્ઞાની માણસોને શિકાર બનાવી પૈસા જમા કરાવવા માટે અન્ય લોકોના બેન્ક એકાઉન્ટ ભાડેથી મેળવતા હતા જેમાં મોરબી પોલીસના હાથે ઝડપાયેલા હાલોલના રાકેશ સોલંકીને એક લાખ આપવાની લાલચ આપી બેન્ક એકાઉન્ટ ભાડે લીધું હતું. જો કે આરોપી રાકેશને એક લાખ મળે તે પહેલા જ પોલીસે આરોપીને દબોચી લીધો હતો. તેમજ મોરબી પોલીસે ઝડપી લીધેલા આરોપી રાકેશ રાઠવા રહે. હાલોલ અને અરવિંદ પરમાર રહે.ગોધરા વાળાઓ લોકોને ભોળવી પૈસાની લાલચ આપી બેન્ક એકાઉન્ટ ભાડે મેળવવાની કામગીરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
