<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

મોરબી : ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા સગીરાએ ગળેફાંસો ખાદ્યો : નાની બહેન સાથે મહેંદી મુકવા બાબતે માથાકૂટ થતા યુવતીએ જાત જલાવી

હોસ્પિટલ સત્તાધીશો દ્વારા મોરબી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પરિવારજનોના નિવેદન નોંધવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી શહેરમાં માતાએ ઠપકો આપતાં 20 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બેલા રોડ પર આવેલા કારખાનામાં કામ કરતાં પરિવારની યુવતીને લાગી આવતા તેણે અગ્નિસ્નાન કર્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બેલા રોડ પર આવેલી વોલોક્ષ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતી શબનમ સત્તાર શાહ (20) એ આજે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી. જે બાદ બૂમાબૂમ થતાં તેને ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલના બિછાને શબનમે દમ તોડ્યો હતો.

આ મામલે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા મોરબી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પરિવારજનોના નિવેદન નોંધવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શબનમ અને તેની નાની બહેન વચ્ચે મહેંદી મૂકવા બાબતે માથાકૂટ થઈ હતી. આ સમયે માતાએ શબનમને ઠપકો આપ્યો હતો. આ બાબતનુ્ લાગી આવતા શબનમે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કર્યું હોવાનું સામે આવ્યું છે.

આપઘાતનો અન્ય એક બનાવ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં ભાવપર ગામમાં રહેતી નિકિતા સાંતલપરા (17) નામની સગીરાને ઘરકામ બાબતે માતાએ ઠપકો આપ્યો હતો. આ બાબતનું લાગી આવતા નિકિતાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને મોત વ્હાલું કર્યું હતુ.

(12:01 AM IST)