<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

અમરેલી નજીક સાવરકુંડલામાં હિટ એન્ડ રન: એક મહિલાનું મોત, ચાર ગંભીર

અમરેલી, શનિવાર: અમરેલી જિલ્લામાં પણ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. સાવરકુંડલાના મહુવા રોડ પર રાત્રિના સમયે એક બેફામ બનેલા કારચાલકે બેથી ત્રણ બાઈક-સ્કૂટરને હડફેટે લીધા હતા. 

આ ગંભીર અકસ્માતમાં એક વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

અકસ્માત બાદ કાર રોડની બાજુમાં ખાડામાં ઉતરી ગઈ હતી. અકસ્માત કરનાર કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને સાવરકુંડલા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમની ગંભીર હાલતને કારણે વધુ સારવાર માટે અમરેલી રીફર કરવામાં આવ્યા હતા. 

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કારચાલકને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ફરીથી બેફામ ડ્રાઇવિંગના ભયાવહ પરિણામો તરફ ધ્યાન દોર્યું છે.

(11:28 AM IST)