<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

વિસાવદર પેટાચૂંટણીમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાનો ઝંઝાવાતી પ્રચાર : ગામેગામથી પ્રચંડ જનસમર્થન મળતા ભાજપનો વિજય નિશ્ચિત હોવાનો દાવો

માઇક્રો પ્લાનિંગ સાથે બૂથ અને મતદાર સુધી પહોંચવાનો લક્ષ્યાંક : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનકલ્યાણકારી યોજનાઓ અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોને ઘરે ઘરે પહોંચાડવા ભાજપની ટીમ દિવસ-રાત કાર્યરત

(ભાવેશ ભોજાણી દ્વારા), ગોંડલ : વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય સુનિશ્ચિત કરવા માટે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા અભૂતપૂર્વ પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગામેગામથી મળી રહેલો પ્રચંડ જનસમર્થન સ્પષ્ટપણે દર્શાવે છે કે વિસાવદરની જનતા ભાજપના સુશાસન અને વિકાસની રાજનીતિને હૃદયપૂર્વક આવકારી રહી છે. ઉપપ્રમુખ પ્રફુલ ટોળીયા સહિત જિલ્લા ભાજપની સંપૂર્ણ ટીમ દિવસ-રાત એક કરીને ભાજપના ઉમેદવારને ભવ્ય વિજય અપાવવા માટે કટિબદ્ધ છે.
ઢોલરીયાએ આ ચૂંટણી માટે વ્યાપક વ્યૂહાત્મક માઇક્રો પ્લાનિંગ કર્યું છે, જેમાં દરેક બૂથ અને દરેક મતદાર સુધી સીધા પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ભાજપના કાર્યકરો અને વિવિધ મોરચાના સભ્યો, જેમાં યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો સહિતના કાર્યકરો ખભે ખભા મિલાવીને કાર્ય કરી રહ્યા છે. તેઓ ઘરે ઘરે જઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી જનકલ્યાણકારી યોજનાઓ અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોની વિગતવાર માહિતી પૂરી પાડી રહ્યા છે, જેને લોકો દ્વારા વ્યાપક સ્વીકૃતિ મળી રહી છે.
આ પ્રચાર અભિયાનમાં ભાજપના કાર્યકરો દ્વારા મતદારોને મળતી યોજનાઓ જેવી કે મફત અનાજ, આયુષ્માન કાર્ડ, ખેડૂતોને સહાય અને ઘર આંગણે મળતી સરકારી સેવાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ભાજપની નીતિઓ અને કાર્યોએ ગુજરાતને વિકાસના પંથે અગ્રેસર કર્યું છે અને વિસાવદરની પ્રજા પણ આ વિકાસયાત્રામાં જોડાઈને ભાજપને જંગી બહુમતીથી જીતાડવા ઉત્સુક છે.
રાજકોટ જિલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ રાજેશ ગોંડલીયા અને સહ-ઇન્ચાર્જ પ્રકાશ સોલંકી દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, "અમને વિશ્વાસ છે કે વિસાવદરની જનતા ભાજપને વિજયી બનાવીને વિકાસ અને વિશ્વાસના પ્રતીક ભાજપને વધુ મજબૂત બનાવશે." આ પ્રચાર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક મતદારોને ભાજપ સરકારની સિદ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓથી વાકેફ કરવાનો છે, જેથી તેઓ સુશાસનના પક્ષમાં મતદાન કરે.

 

(3:31 PM IST)