<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

ઉપલેટામાં LCB ના દરોડા : વિજયનગર સોસાયટીમાંથી ₹૧.૦૨ લાખના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

"ઝીરો ટોલરન્સ ટુ પ્રોહિબિશન & ગેમ્બલિંગ" નીતિ હેઠળ રાજકોટ ગ્રામ્ય LCB ની સફળ કામગીરી : દીપ ઉર્ફે ટીલ્યો કીરીટભાઈ રાઠોડની ધરપકડ : વધુ તપાસ હાથ ધરાઈ

ઉપલેટા :  રાજકોટ ગ્રામ્ય LCB એ નશાબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આજે ઉપલેટા શહેરના વિજયનગર સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાન પર દરોડો પાડી, પોલીસે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો અને એક ઇસમની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જે "ઝીરો ટોલરન્સ ટુ પ્રોહિબિશન & ગેમ્બલિંગ" નીતિનો જ એક ભાગ છે.
LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એચ.સી. ગોહીલના નેતૃત્વ હેઠળની ટીમે ઉપલેટા શહેરના કૃષ્ણકેક ઓઇલમીલ રોડ પર આવેલી વિજયનગર સોસાયટીના બ્લોક નં. ૧૯ માં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, દીપ ઉર્ફે ટીલ્યો કીરીટભાઈ રાઠોડ (ઉંમર ૩૩) ને વેરવિખેર ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે રંગે હાથે પકડી પાડવામાં આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી દારૂનો જથ્થો અને અન્ય આનુષંગિક વસ્તુઓ સહિત કુલ ₹૧,૦૨,૩૪૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ સફળ કામગીરીમાં LCB ટીમના એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા, પો.હેડકોન્સ. કૌશીકભાઈ જોષી, અરવિંદસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, અનિલભાઈ બડદોકિયા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તથા ડ્રાઈવર પો.કોન્સ. અબ્દુલભાઈ શેખે સંયુક્ત રીતે ભાગ લીધો હતો. આ કાર્યવાહીથી ઉપલેટા શહેરમાં નશાબંધીના કાયદાનું પાલન કરાવવા માટે પોલીસની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.

 

(6:06 PM IST)