<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચાર નવા કેસ નોંધાયા : કુલ એક્ટિવ કેસ ૪૮ થયા, તમામ હોમ આઇસોલેશનમાં : ત્રણ દર્દીઓ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા

પટેલ કોલોની, લાલપુર બાયપાસ ચોક, ગુરુદ્વારા રોડ અને હીરજી મિસ્ત્રી રોડ પરથી નવા કેસ મળ્યા : મહાનગરપાલિકા દ્વારા કોવિડ સંક્રમણ અટકાવવા સતર્કતા જાળવવા અપીલ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વાયરસના વધુ ચાર નવા કેસ નોંધાતા તંત્રમાં ફરીથી સતર્કતા જોવા મળી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ૮ જૂન, ૨૦૨૫ ના રોજ જાહેર કરાયેલી કોવિડ માહિતી અનુસાર, શહેરમાં આજે ૪ નવા કેસ ઉમેરાયા છે, જેને પગલે કુલ કોવિડ કેસની સંખ્યા ૬૯ પર પહોંચી ગઈ છે.

આજના નવા કેસોમાં પટેલ કોલોનીમાંથી ૮૩ વર્ષીય પુરુષ, લાલપુર બાયપાસ ચોક પાસેથી ૩૮ વર્ષીય પુરુષ, ગુરુદ્વારા રોડ પરથી ૫૦ વર્ષીય સ્ત્રી અને હીરજી મિસ્ત્રી રોડ પરથી ૨૧ વર્ષીય સ્ત્રીનો સમાવેશ થાય છે.

રાહતની વાત એ છે કે, આજે કોવિડના ત્રણ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે, જામનગરમાં કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા ૨૧ પર પહોંચી છે. હાલમાં, શહેરમાં હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવેલ વ્યક્તિઓની સંખ્યા ૪૮ છે, જેઓ આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવા માટે માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને વારંવાર હાથ ધોવા સહિતના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

(8:03 PM IST)