<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

માળીયા હાટીનાના જુથળ સેવા સહકારી મંડળીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપથી રાજકારણમાં ગરમાવો

જુથળ સેવા સહકારી મંડળીમાં 21 ખેડૂતોની 35 લાખ રૂપિયા જેટલી ફિક્સ ડિપોઝિટ ખવાઈ ગઈ: ઑડિટ રિપોર્ટમાં પણ ચોંકાવનારો ઘટસ્ફોટ: ખેડૂતો દ્વારા તાત્કાલિક તપાસની માંગણી

વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ જૂનાગઢ જિલ્લા બેંકમાં ભ્રષ્ટાચારના એક પછી એક કૌભાંડો બહાર આવત જાય છે.ખેડૂતો દ્વારા માળીયા હાટીના તાલુકાના જુથળ સેવા સહકારી મંડળીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

હકીકતમાં જુથળ સેવા સહકારી મંડળીમાં 21 ખેડૂતોની 35 લાખ રૂપિયા જેટલી ફિક્સ ડિપોઝિટ ખવાઈ ગઈ હોવાના સનસનીખેજ આક્ષેપ થયા છે. આ મામલે રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા તાત્કાલિક તપાસની માંગણી કરવામાં આવી છે.

જુથળ સેવા સહકારી મંડળીના ઑડિટ રિપોર્ટમાં પણ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, સેવા સહકારી મંડળીમાં રૂ. 72 લાખ જેટલી સિલક હોવી જોઈએ. જો કે હાલ મંડળીમાં એકપણ રૂપિયો નથી. આ રિપોર્ટ જ દર્શાવે છે કે, મંડળીમાં મોટાપાયે આર્થિક ગેરરીતિ આચરવામાં આવી છે.

આ મામલે કિરીટ પટેલે જણાવ્યું કે, આમાં બેંકના ચેરમેનની સીધી જવાબદારી નથી હોતી, કારણ કે નિર્ણયો બોર્ડ ઑફ ડિરેક્ટર્સના સર્વાનુમતે લેવાય છે. આ સાથે જ તેમણે સ્વીકાર્યું કે, અમુક મંડળીઓમાં મંત્રીઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હતી. જે અંગે દોઢ-બે વર્ષ અગાઉ ફરિયાદો નોંધાઈ હતી. જે બાદ ગેરરીતિ આચરનારાઓની ધરપકડ પણ થઈ છે અને તેમને સજા પણ મળી છે.

હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને ગેરરીતિ આચરનારાઓની સંપત્તિ જપ્તકરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છ. આ સાથે જ ભાજપ ઉમેદવારે નાના-મોટા ખેડૂતોને ન્યાય આપવાની ખાતરી આપી છે.

(9:57 PM IST)