તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
વેરાવળના રામપરા ગામે વાડીએ ખેતરનું રખેવાળુ કરી રહેલા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો : ફફડાટ
ખેડૂતે હિંમતપૂર્વક દીપડાનો પ્રતિકાર કરતાં જીવ બચ્યો: દીપડો ખેડૂતના હાથના ભાગે ઇજા કરી નાશી ગયો: આવા હિંસક પ્રાણીઓને પાંજરે પૂરવા ખેડૂતોની માંગણી

ગીર સોમનાથના વેરાવળના રામપરા ગામે વાડીએ ખેતરનું રખેવાળુ કરી રહેલા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યાના સમાચાર પ્રકાસમાં આવ્યા છે. હુમલામાં ખેડૂતને હાથે ઈજા પહોંચી છે. ખેડૂતે હિંમતપૂર્વક દીપડાનો પ્રતિકાર કરતાં જીવ બચ્યો છે પણ હવે ગામવાસીઓએ વન વિભાગને વિનંતી કરી છે કે આવા હિંસક પ્રાણીઓને પાંજરે પૂરવામાં આવે તો ખેડૂતો પોતાની વાડીનું રખેવાળુ કરી શકે.
માનવ લોહી ચાખી ગયેલા દીપડાએ એક જ અઠવાડીયામાં આ બીજી વખત ખેડૂત પર હુમલો કર્યો છે. 6 દિવસ પૂર્વે રામપરા ગામની નજીકના લાખાપરા ગામે આ જ માનવ ભક્ષી દીપડાએ નારણભાઈ પીઠિયા નામના ખેડૂત ઉપર હિંસક હુમલો કર્યો હતો, જેમાં ખેડૂતનો જીવ ગયો હતો. ત્યારે હવે રામપરા ગામના ખેડૂત મેરામણભાઈ બચુભાઈ મેર નામના 60 વર્ષીય ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો છે. ખેડૂત ખેતરમાં રાખોપુ કરવા ગયો હતો.
ખેડૂત મેરામણભાઈ બચુભાઈ મેર તેમની વાડીના ખુલ્લા ખેતરમાં સુતા હતા ત્યારે રાત્રે અઢી વાગ્યાના સુમારે દીપડાએ હુમલો કર્યો હતો. ખેડૂતે હિંમતપૂર્વક દીપડાનો પ્રતિકાર કરતાં જીવ બચ્યો હતો. દીપડો ખેડૂતના હાથના ભાગે ઇજા કરી નાશી ગયો હતો. ઇજાગ્રસ્ત ખેડૂતને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
વેરાવળ વિસ્તારમાં દીપડાઓ વારંવાર નજરે પડે છે. ત્યારે ખેતરે વાડીઓનું રાખોપુ કરવા જતા ખેડૂતોમાં હવે દીપડાનો ભય જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ વન વિભાગને દીપડાને પાંજરે પુરવાની રજુઆતો કરી છે પરંતુ વન વિભાગ હજુ સુધી આ દીપડા ને પાંજરે પુરી શક્યું નથી.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
