News of Monday, 9th June 2025
વિસાવદર પેટાચૂંટણીમાં રાજકીય તણાવ ચરમસીમાએ : 'આપ'ના ગોપાલ ઇટાલિયા પર હુમલાના આક્ષેપો : ભાજપે આક્ષેપો ફગાવ્યા
ગોપાલ ઇટાલિયાએ ભાજપના કાર્યકરો પર પથ્થરમારા અને અપશબ્દોનો આરોપ લગાવ્યો : ભાજપના નેતા ઉદય કાનગડ અને કમલેશ મીરાણીએ 'આપ'ના આક્ષેપોને 'ખોટું બોલવાની ગળથૂથી' અને 'સંસ્કાર વિરુદ્ધ' ગણાવ્યા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પૂર્વે રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને તેમના સમર્થકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે કે, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થકોએ તેમને અને તેમના ટેકેદારોને ઘેરીને અપશબ્દો કહ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. જોકે, ભાજપે 'આપ'ના આ તમામ આક્ષેપોને સદંતર ફગાવી દીધા છે.
ભાજપ નેતાઓની આકરી પ્રતિક્રિયા:
વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં AAP અને BJP વચ્ચે વધતા તણાવ વચ્ચે ભાજપના નેતાઓએ આ આક્ષેપો પર આકરી પ્રતિક્રિયા આપી છે.
ઉદય કાનગડની ટિપ્પણી:
ભાજપના નેતા ઉદય કાનગડે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "ખોટું બોલવું એ એમની (આપની) ગળથૂથીમાં છે, જાતે જ એવું કરાવીને ખોટા આક્ષેપો કરવા, ગાળો બોલવી એ એમના સંસ્કાર છે. અમે એમાં પડવા માંગતા નથી. અમારું જે પોઝિટિવ કામ છે, લોકસેવા છે એ અમારો ધ્યેય છે, બાકી લગ્ન હોય એટલે ફટાણાં ગવાય. એ લોકોને તો આક્ષેપ કરીને ભાગી જવાનું છે...એ ભાઈ (ગોપાલ ઇટાલિયા) કતારગામ ચૂંટણી હારી ગયા પછી ક્યારેય ત્યાં ગયા? પોતાના એ પોતાના અને પારકાં એ પારકાં... કિરીટ પટેલ સોરઠનો દીકરો છે, અહીંયાનો દીકરો છે અને તેને જનતાના આશીર્વાદ મળવાના છે."
કમલેશ મીરાણી અને ચંદુભાઈ મકવાણાના પ્રહારો:
વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીના ઇન્ચાર્જ કમલેશ મીરાણીએ પણ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "ભાજપ સંસ્કારને માનનારી પાર્ટી છે, કોઈના માટે એલફેલ બોલવું અને પુરાવા વગર આક્ષેપો કરવા એ એમના સંસ્કાર હશે. ભાજપ કોઈના પર હુમલો કરતું નથી, અમારો કાર્યકર્તા મતપેટીમાં એનો જવાબ આપશે, પ્રજા હંમેશા ભાજપ સાથે રહી છે અને રહેવાની છે."
જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "ખોટું બોલવું, જોરથી બોલવું એ એમની (આપની) પ્રવૃત્તિ છે. આવી કોઈ ઘટના બની નથી."
આમ, વિસાવદરમાં રાજકીય પારો ઊંચકાઈ રહ્યો છે અને પેટાચૂંટણીમાં જીત મેળવવા માટે બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ તેજ બન્યું છે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ ગરમાશે તેવી શક્યતા છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
