<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

ખેડૂતો માટે નવા યુગની શરૂઆત : આધાર કાર્ડની જેમ હવે 'ફાર્મર ID' ફરજિયાત બનશે : જામનગર જિલ્લાના ખેડૂતોને તાત્કાલિક નોંધણી કરાવવા અપીલ

એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ભારત-ગુજરાત સરકારનો સંયુક્ત પ્રયાસ : PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે નોંધણી અનિવાર્ય : ગ્રામ પંચાયતોમાં ઝુંબેશરૂપે કામગીરી શરૂ : ડિજિટલ માધ્યમથી સરળતાપૂર્વક નોંધણી કરાવી શકાશે

(મુકુંદ બદીયાણી દ્રારા), જામનગર : ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યના ખેડૂતોને હવે આધાર આઈડીની જેમ જ ફાર્મર આઈડી મળશે. રાજ્યમાં ૧૫ ઓક્ટોબરથી ખેડૂત નોંધણીની શરૂઆત કરવામાં આવેલી છે, જેના હેઠળ જામનગર જિલ્લાના તમામ ખાતેદાર ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ફરજિયાત નોંધણી કરાવવી આવશ્યક છે. આ ફાર્મર આઈડી દ્વારા ખેડૂતો તેઓની જમીનની માલિકીની માહિતી સરળતાથી મેળવી શકશે.
નોંધણીના ફાયદા અને PM કિસાન યોજનાનો લાભ:
ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી થવાથી તમામ ખેડૂતો માટે ખેતીવાડી અને ધિરાણ સંબંધી વિવિધ લાભો મેળવવાનું સરળ બનશે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવતા અને ઈચ્છુક લાભાર્થીઓ માટે ખેડૂત નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આથી, PM કિસાન યોજના હેઠળ લાભ મેળવતા ખેડૂતો માટે આ યોજનાનો આગામી હપ્તાથી લાભ ચાલુ રાખવા માટે ફાર્મર રજિસ્ટ્રી અનિવાર્ય હોવાથી, બાકી રહેલા તમામ ખેડૂતોએ સત્વરે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ નોંધણી વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી દરેક સંબંધિત ગ્રામ પંચાયતોમાં (VCE પાસે) કરાવી શકાશે.
નોંધણી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો:
રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી કરવી ફરજિયાત છે. આ માટે, ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને ૭/૧૨ તથા ૮ અ નકલ સાથે સંબંધિત ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી અથવા VCE નો સંપર્ક કરી ખેડૂત નોંધણીની કાર્યવાહી કરાવવાની રહેશે.
સરકાર દ્વારા ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવેલો હોવાથી, જામનગર જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતો ખાતે હાલ ઝુંબેશના રૂપમાં ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, જિલ્લાના ખેડૂતો આગામી સમયમાં સરકારની કોઈપણ યોજનાના લાભોથી વંચિત ન રહે તે માટે તેઓએ ગામના ઓપરેટર મારફત 'સેલ્ફ મોડ' દ્વારા ખેડૂત નોંધણી કરવા તથા ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી અંગેની વધુ માહિતી માટે જે તે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરવા વિનંતી છે. આ પહેલથી ખેડૂતોને સરકારી યોજનાઓનો સીધો અને સરળ લાભ મળી શકશે.

 

(7:07 PM IST)