<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

જામનગર પોલીસની સરાહનીય કામગીરી : ૧૪ વર્ષની અસ્થિર મગજની બાળકીનો ગણતરીના કલાકોમાં જ માતા સાથે મીલાપ કરાવ્યો!

ધુવાવ ગામ નજીકથી મળી આવેલી બાળકી માનસિક રીતે અસ્વસ્થ હોવાથી નામ-ઠામ જણાવી શકી ન હતી : પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટાફની સતર્કતા અને સંયુક્ત પ્રયાસોથી પરિવારે રાહત અનુભવી

(મુકુંદ બદીયાણી દ્વારા), જામનગર, ૦૯ જૂન ૨૦૨૫: જામનગર જિલ્લા પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરતા, અસ્થિર મગજની એક ૧૪ વર્ષીય બાળકીને ગણતરીના કલાકોમાં જ તેના માતા સાથે સુરક્ષિત રીતે પુનઃમિલન કરાવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા જામનગર, ગ્રામ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખની ટીમે આ સફળતા મેળવી છે.
બનાવની વિગત મુજબ, ગત તા.૦૮/૦૬/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ધુવાવ ગામ પાસે એક ૧૪ વર્ષની બાળકી મુખ્ય રોડ પર ચાલીને જતી જોવા મળી હતી. આ બાળકી પર ધુવાવ ગામના એક આગેવાનની નજર પડતા તેમણે તાત્કાલિક પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.
માહિતી મળતા જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર. પરમાર, વુમન પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. ગોજીયા તેમજ સહાયક વાહન ડ્રાઇવર એમ.એન. ઝાલા ધુવાવ ગામે પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે બાળકીને તેનું નામ-ઠામ અને રહેઠાણ વિશે પૂછપરછ કરતા તે યોગ્ય જવાબ આપી શકી ન હતી. તેના કપડા અને તેની માનસિક-શારીરિક પરિસ્થિતિ જોતા તે માનસિક રીતે અસ્થિર હોવાનું જણાતા, પંચકોષી એ પોલીસ દ્વારા તેના વાલી-વારસની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ ટીમના સઘન પ્રયાસોને પગલે, લગભગ રાત્રીના એક વાગ્યાની આસપાસ બાળકીના માતાનો સંપર્ક થઈ શક્યો હતો. માતાએ જણાવ્યું કે તેમની બાળકી માનસિક અસ્થિર છે અને ક્યાંક ચાલી ગઈ હતી. ત્યારબાદ પોલીસે બાળકીનો ફોટો તેમને બતાવતા, તેમણે તરત જ તે તેમની બાળકી હોવાનું ઓળખી લીધું હતું.
આ બાળકીના માતા શંકર ટેકરી ખાતે રહેતા હોવાથી, પંચકોષી એ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બાળકીને તેમના માતા પાસે લઈ જવામાં આવી હતી. આ સમયે બાળકી પણ તેના માતાને ઓળખી ગઈ હતી, અને માતાએ પણ પોતાની બાળકી સહી-સલામત મળી જવાની ખુશી વ્યક્ત કરી હતી. આમ, જામનગર પંચકોષી એ ડિવિઝન પોલીસે સમયસર અને સરાહનીય કામગીરી કરીને એક પરિવારને ખુશી પરત અપાવી.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર. પરમાર, વુમન પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. ગોજીયા તેમજ સહાયક વાહન ડ્રાઇવર એમ.એન. ઝાલા સહિત જામનગર પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.

(12:42 AM IST)