News of Tuesday, 10th June 2025
આજે જુનાગઢના ‘અકિલા'ના પત્રકાર સ્વ. સૂર્યકાન્તભાઇ જોશીની જન્મજયંતિ
ધારાસભ્ય, મેયર, સાધુ-સંતો, આગેવાનો સાંજે ઓનલાઇન પ્રાર્થનાસભામાં શ્રધ્ધાંજલી અર્પણ કરશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૦ :.. જુનાગઢ અકિલા દૈનિકના પત્રકાર સ્વ. સૂર્યકાન્તભાઇ જોષીની આજે ૬૦મી જન્મ જયંતિ છે.
તેમની વિદાયને ૧૮ વર્ષ પુર્ણ થયા છતાં પત્રકાર જગતમાં અમીટ છાપ છોડી ગયેલ અકિલાના બ્યુરોચીફ અને સોરઠ અખબારી જગતના તરવરીયા અને ઉત્સાહી યુવા પત્રકાર સૂર્યકાન્તભાઇ જોષીની સમાચારો મેળવવા માટે અલગ માસ્ટરી ધરાવતા હતાં.
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના જે તે વખતે એલસીબી બ્રાન્ચમાં ફરજ બજાવતા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસ અધિકારી શિવલાલભાઇ જોષીના જયેષ્ઠ પુત્ર સૂર્યકાન્તભાઇ જોષીએ ૧૯૮રમાં અખબારી ક્ષેત્રમાં પગ મુકી અખબારી યાદીઓ પહોંચાડવાની કામગીરીથી પ્રારંભ કર્યો હતો.
આ ક્ષેત્રે તેઓની ધગશ અને ઉત્સાહથી પ્રેરાઇ અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રાએ સૂર્યકાન્ત જોષીને રાજકોટ બોલાવી અકિલા પ્રેસમાં દશેક માસ તાલિમ આપી ત્યારબાદ જુનાગઢ જિલ્લાના પ્રતિનિધિ તરીકે પસંદગી કરી હતી. જુનાગઢ જિલ્લાની જવાબદારી શીરે આવતા સૂર્યકાન્ત જોષીએ વફાદારી નિષ્ઠા અને કૌશલ્યના દર્શન કરાવવા સાયકલ ઉપર તમામ પોલીસ મથકોએ રૂબરૂ પહોંચી ઘટનાઓના તલસ્પર્શી અહેવાલો મેળવી અકિલામાં જાગૃત પત્રકાર તરીકે પ્રતિભા ઉભી કરી હતી.
તેમના પિતા પોલીસમાં ફરજ બજાવતા હોવાથી પોલીસ પરિવારના નાતે પોલીસ તંત્રના રીપોર્ટીંગ ક્ષેત્રે અગ્રસ્થાને રહ્યા હતા અને ટૂંકાગાળામાં અનોખી નામના મેળવી હતી. અકિલાના પાને સૂર્યકાન્ત જોશી નામ ન હોય તેવો દિવસ તેમણે કયારેય આવવા દિધો ન હતો. સતત નવા સમાચારો આપતા રહેતા અને સોરઠ અખબારી ક્ષેત્રમાં પોલીસ પત્રકાર તરીકે છાપ ઉભી કરી હતી. અને ગુજરાત પોલીસ ઉપરાંત જાહેર જીવનના આગેવાનો કાર્યકર્તાઓ કાર્યકરો સૂર્યકાન્ત જોષીથી અજાણ ન હોતા નાની વયે અખબારી માધ્યમથી અકિલાના બેનર હેઠળ મોટી નામનાં મેળવી હતી. આજથી ૧૭ વર્ષ પહેલા કમળાની બિમારીથી રાજકોટ ખાતે સારવાર દરમ્યાન વોકહાર્ટ હોસ્પીટલમાં સૂર્યકાન્તભાઇએ ૪૦ વર્ષની વયે અંતિમશ્વાસ લીધા હતાં.
આજે પણ પોણા બે દાયકા થવા છતાં પત્રકાર જગતમાં તેઓની છાપ અમીટ છે. જાહેર કાર્યક્રમોમાં અધિકારીઓ પદાધિકારીઓ આજે પણ તેઓને યાદ કરી રહ્યા છે.
આજે સૂર્યકાન્તભાઇની જન્મ જયંતિ નિમિતે સાંજે ૭ કલાકે ઓનલાઇન પ્રાર્થના સભા યોજાનાર છે. જેમાં ધારાસભ્ય સંજય કોરડીયા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોષી, મેયર ધર્મેશ પોશીયા, પૂર્વ ડે. મેયર ગિરીશભાઇ કોટેચા, લિયો રિર્સોટના માલિક વિપુભાઇ કોટેચા તેમજ સાધુ-સંતોમાં અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પૂ. મુકતાનંદબાપુ, પૂ. જેન્તિરામબાપા તથા પૂ. ઇન્દ્રભારતીબાપુ, પૂ. સુખરામદાસબાપુ, સહિતના સંતો આગેવાનો વર્ચ્યુઅલ પ્રાર્થના સભામાં જોડાય શ્રધ્ધાસુમન અર્પણ કરશે. તેમજ સ્વ. સૂર્યકાન્તભાઇ જોષીના પત્ની ગીરાબેન જોષી, પુત્રી ત્રુષિતા મહેશકુમાર જોષી, (સાઉદી અરેબીયા) પુત્ર અભિષેક અમદાવાદ તેમજ જુનાગઢ અકિલાના પત્રકાર અને સૂર્યકાન્તભાઇના લઘુબંધુ વિનુભાઇ જોષી, શ્રીમતી મિતાબેન જોષી, વિરલ જોષી (ન્યુઝીલેન્ડ) મૈત્રેય અને મધુબેન દિનેશકુમાર તેરૈયા, કલ્પિતા અવંતિકા, ભૂમિ, શ્રેયાક સહિતના પરિવારજનો પણ ભાવવંદના કરી શ્રધ્ધાંજલી આપશે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
