તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
વિસાવદરમાં પ્રચારમાં પક્ષો નહિ, ચહેરાઓ ચમકયાઃ ખેડૂતો નિર્ણાયક
ફૈસલા જો કુછ ભી હો મંજુર હોના ચાહીએ, જંગ હો યા ઇશ્ક હો ભરપુર હોના ચાહીએ... :ભાજપે ગોપાલ ઇટાલિયાને અને આમ આદમી પાર્ટીને કિરીટ પટેલને ‘નિશાન' બનાવ્યાઃ નીતિન રાણપરિયા કોંગ્રેસની ‘રીતે' લડે છેઃ રાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્્ા કરતા ખેડૂતોને લગતા સ્થાનિક મુદ્્ા વધુ પ્રભાવકઃ મોટી સભાઓના બદલે ગ્રામીણ જુથસભાઓ તરફ ત્રણેય પક્ષનું ધ્યાન કેન્દ્રિત

રાજકોટ તા. ૧૦ :.. ગુજરાતમાં મહેસાણા જિલ્લાની કડી (અનામત) બેઠક અને જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર તા. ૧૯મીએ પેટાચૂંટણીનું મતદાન છે. બન્ને બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ છે. અન્ય પક્ષો અને અપક્ષો પણ ચૂંટણી લડી રહ્યા છે. વિસાવદરની પેટાચૂંટણીએ આખા રાજયનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે રાજકીય પક્ષોના નામે ચૂંટણી લડાતી હોય છે પણ વિસાવદરમાં પ્રચારમાં ભાજપ-આપ ઓછા અને બન્નેના ઉમેદવારો વધુ ગાજી રહ્યા છે. ભાજપના કિરીટ પટેલ અને આપના ગોપાલ ઇટાલિયા ચૂંટણીના મેદાનમાં છે. બેય ઉમેદવારો અને પક્ષો પટેલ-ઇટાલિયાને નિશાને લઇને પ્રચાર કરી રહ્યા છે. પક્ષ કરતા પણ વ્યકિતગત પ્રતિષ્ઠાની લડાઇ વધુ થઇ ગઇ છે. કોંગ્રેસના નીતિન રાણપરિયા વ્યકિતગત અને પક્ષની રીતે ચૂંટણી જંગમાં છે. કોંગ્રેસના પ્રહારો મુખ્યત્વે ભાજપ પર છે.
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી હાલ રાજયસ્તરે ચર્ચાનો વિષય બનેલ છે. ૯૭ ટકા કરતા વધુ ગ્રામીણ ખેડૂતો અને લેઉવા પટેલ પ્રભુત્વવાળી આ વિધાનસભા સીટમાં ‘એસ' વર્ગની નાની નગરપાલિકા એકમાત્ર વિસાવદર શહેર છે. બાકી તમામ ગ્રામ પંચાયતના મતદારો છે. ત્રણેય પક્ષના ઉમેદવારો લેઉવા પટેલ છે.
વિસાવદરમાં રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના મુદ્્ાઓ પ્રચારમાં છે પણ સ્થાનિક મુદ્્ાઓ ખાસ કરીને ખેડૂતોને સ્પર્શતા હોય તે વધુ ચર્ચામાં છે. ખેતીને લગતા મુદ્્ા ઉપરાંત રસ્તાના પ્રશ્નો પણ પ્રચારમાં ઉછળ્યા છે. સ્થાનિકથી માંડી પ્રદેશ અને કેન્દ્રીય કક્ષાના નેતાઓ ચૂંટણીમાં ભૂમિકા ભજવી રહ્યા છે.
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારી વખતે શકિત પ્રદર્શનનો પ્રયાસ કરેલ. ત્યાર પછી પ્રચારમાં મોટી સભાઓના બદલે ગામડે ગામડે જૂથસભાઓ તરફ ધ્યાન કેન્દ્રીય કર્યુ છે. વ્યકિતગત સંપર્ક, જનસભા, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા, સ્પેશ્યલ મીડિયા, બેનર વગેરે દ્વારા ચૂંટણીનો માહોલ બનાવવા પ્રયાસ થઇ રહ્યો છે. મતદારો રાબેતા મુજબ બધા પક્ષને આવકારે છે પણ મતદાન બાબતે મન કળાવા દેતા નથી. મતદાન પૂર્વનું છેલ્લુ અઠવાડિયુ વધુ રાજકીય ગરમાવાવાળુ બની રહેશે તેમ લાગે છે. ૧૯ મીના મતદાન પછી તા. ર૩ મીએ મત ગણતરી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામાથી ખાલી પડેલ બેઠક પર કોણ જીતે છે. તો તા. ર૩ મીએ જ ખબર પડશે. પરિણામના આધારે રાજયના રાજકારણમાં નવા સમીકરણો રચાવાની ધારણા છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
