News of Tuesday, 10th June 2025
દ્વારકાના શિવરાજપુર બ્લુફ્લેગ બીચ પર ITRA દ્વારા ભવ્ય યોગોત્સવનું આયોજન : ૨૫૦થી વધુ યોગપ્રેમીઓ જોડાયા
આયુષ મંત્રાલયના નેજા હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દાયકા પૂર્વે ઉજવણીનો પ્રારંભ : કોમન યોગ પ્રોટોકોલનું નિદર્શન કરાયું

દ્વારકા, મંગળવાર, ૧૦ જૂન ૨૦૨૫: સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નજીક આવી રહી છે, ત્યારે આયુષ મંત્રાલય, ભારત સરકારના જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ITRA) દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્લુફ્લેગ શિવરાજપુર બીચ ખાતે ભવ્ય યોગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અરબી સમુદ્રના કિનારે આવેલા અને રાષ્ટ્રના પશ્ચિમ છેવાડાના આ રમણીય સ્થળે તા. ૧૦ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુમોદન આપવા તેમજ લોકોમાં યોગ થકી સ્વાસ્થ્ય સક્ષમ બનાવવાના હેતુસર કોમન યોગ પ્રોટોકોલનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું.
૨૫૦થી વધુ સહભાગીઓથી બીચ યોગમય બન્યો
આ નિદર્શનમાં ITRA ના નિયામક પ્રો. ડો. તનુજા નેસરી સહિત ITRA ના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ સ્વસ્થવૃત્ત-યોગ વિભાગના કર્મચારીઓ સહિત ૨૫૦ થી વધુ સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યોગપ્રેમીઓએ શિવરાજપુર બીચના વાતાવરણને સંપૂર્ણપણે યોગમય બનાવી દીધું હતું. આ દૃશ્ય સ્થાનિક લોકો અને પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
યોગ દિવસની દાયકા પૂર્વેની ઉજવણી
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને એક દાયકો પૂર્ણ થવા જઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં યોગ પ્રત્યે એક અનેરો ઉત્સાહ અને લોકોની અભિરુચિ સતત વધી રહી છે. ત્યારે, પ્રખ્યાત શિવરાજપુર બીચ ખાતે થયેલું આ નિદર્શન લોકોને વધુ યોગમય બનવા અને યોગને પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવવા માટે પ્રેરિત કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ યોગના સંદેશને જન-જન સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે અને લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવશે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
