News of Tuesday, 10th June 2025
જામનગરના મોરાણા ગામે સરપંચપદની ચૂંટણી બિનહરીફ : દલિત મહિલા શ્રીમતી શાંતાબેન વધોરા વિજેતા : ગામની એકતાનો અનોખો સંદેશ
જોડિયા તાલુકાના મોરાણા ગામમાં સમાજના દરેક વર્ગના સહયોગથી સર્વસંમતિ સધાઈ : સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું

જામનગર, મંગળવાર, ૧૦ જૂન ૨૦૨૫: જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા મોરાણા ગ્રામ પંચાયતે એક પ્રશંસનીય અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના આગેવાનો, વડીલો અને યુવાનોએ સાથે મળીને સર્વસંમતિ સાધીને સરપંચપદની ચૂંટણીને બિનહરીફ બનાવી છે. આ ઐતિહાસિક નિર્ણયના પરિણામે, સામાન્ય સ્ત્રી બેઠક પર દલિત ઉમેદવાર શ્રીમતી શાંતાબેન પુનાભાઈ વધોરાને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
મોરાણા ગામના આ પગલાથી ગામની એકતા, ભાઈચારો અને સમરસતાની આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. જ્યારે મોટાભાગના ગામોમાં ચૂંટણીઓ દરમિયાન જૂથબંધી અને કડવાશ જોવા મળતી હોય છે, ત્યારે મોરાણા ગામે તમામ સમાજના આગેવાનોએ ભેગા મળીને લોકશાહીના સાચા અર્થને ઉજાગર કર્યો છે. આ નિર્ણય દ્વારા ગામલોકોએ કોઈપણ પ્રકારના વિવાદ કે મનદુઃખ વગર સર્વાનુમતે પોતાના સરપંચની પસંદગી કરી છે. શાંતાબેન વધોરાનું બિનહરીફ ચૂંટાવવું એ સામાજિક સમાનતા અને સ્ત્રી સશક્તિકરણનું પણ પ્રતીક છે. આ ઘટના અન્ય ગ્રામ પંચાયતો માટે પણ એક પ્રેરણાદાયક નમૂનો બની રહેશે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
