<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

જામનગરમાં ચોમાસા પહેલા મહાનગરપાલિકાની અપીલ : ભૂગર્ભ ગટરના ઢાંકણા ન ખોલવા - જીવલેણ અકસ્માત અને રોગચાળાનો ભય

પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણતાના આરે : પરંતુ વરસાદી પાણીથી ગટર ચોકઅપ અને ઓવરફ્લોનો ખતરો : ગેરકાયદેસર જોડાણો અને મેનહોલમાં પ્રવેશ સામે કડક કાર્યવાહીની ચીમકી

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, મંગળવાર, ૧૦ જૂન ૨૦૨૫: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ચોમાસાની ઋતુ દરમિયાન ભૂગર્ભ ગટર વ્યવસ્થા અંગે અત્યંત મહત્વપૂર્ણ અપીલ અને વિનંતી કરવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરના મેનહોલ/ચેમ્બરોના ઢાંકણા ખુલ્લા ન કરવા અથવા તેને તોડવા નહીં, કારણ કે આમ કરવાથી જીવલેણ અકસ્માતો, ગટર ચોકઅપ અને રોગચાળાનો ભય વધી શકે છે.
મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખા દ્વારા તા. ૧૫/૦૪/૨૦૨૫ થી તા. ૦૩/૦૬/૨૦૨૫ સુધીમાં પ્રિ-મોન્સુન કામગીરી સબબ કુલ ૮,૪૦૮ મેનહોલ અને સેક્શનની સફાઈ કામગીરી કરવામાં આવી છે, જેમાંથી અંદાજિત ૧૫૬ ટન કાદવ/કચરો કાઢવામાં આવ્યો છે. આ કામગીરી તા. ૧૫/૦૬/૨૦૨૫ સુધીમાં પૂર્ણ થવાની છે.
અકસ્માત, ચોકઅપ અને રોગચાળાનો ખતરો
મહાનગરપાલિકાએ ખાસ ભારપૂર્વક જણાવ્યું છે કે, જે વિસ્તારોમાં ભૂગર્ભ ગટર કાર્યરત હોય તેના ઊંડાણવાળા મેનહોલ અને ચેમ્બરોના ઢાંકણા ચોમાસાની ઋતુ દરમિયાન અને ચાલુ વરસાદે કોઈપણ સંજોગોમાં ખોલવા નહીં. ચાલુ વરસાદે ઢાંકણા ખોલવાથી અકસ્માત થવાની અને અકસ્માતે મૃત્યુ થવાની ગંભીર સંભાવના રહે છે. આ ઉપરાંત, વરસાદી પાણીની સાથે માટી અને કચરો ભૂગર્ભ ગટરમાં પ્રવેશે છે, જેના કારણે ગટર ચોકઅપ થવાના અને તેને નુકસાન થવાના પ્રશ્નો ઊભા થાય છે.
ગટર ચોકઅપ થવાને કારણે વપરાશી ગંદુ પાણી ઓવરફ્લો થઈને રસ્તાઓ પર ફેલાય છે, જેના પરિણામે વ્યાપક ગંદકી થાય છે અને રોગચાળો ફેલાવવાની સંભાવના પણ વધી જાય છે. કાનૂની જોગવાઈઓ અનુસાર પણ વરસાદી પાણી ભૂગર્ભ ગટરમાં ઠાલવવાની કે નાખવાની સખત મનાઈ ફરમાવવામાં આવેલી છે, જેનું ગંભીરતાપૂર્વક પાલન કરવા મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે.
ગેરકાયદેસર જોડાણો અને મેનહોલમાં પ્રવેશ સામે કડક પગલાં
જે વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ ન થયું હોય અથવા ચાલુ હોય, તેમજ ભૂગર્ભ ગટરને કાર્યરત કરવામાં ન આવી હોય તેવા વિસ્તારોમાં જામનગર મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર ગંદા વપરાશી પાણીના નિકાલ માટે ગેરકાયદેસર જોડાણો આપવાથી પણ ગંદા પાણીના નિકાલના અભાવે ઓવરફ્લો થવાના પ્રશ્નો રહે છે. આવા કિસ્સાઓમાં, ગેરકાયદેસર જોડાણ કરનારની જવાબદારી નક્કી કરી કડક પગલાં ભરવામાં આવશે.
મહાનગરપાલિકાએ નામદાર સુપ્રીમ કોર્ટની કાનૂની જોગવાઈઓનો પણ ઉલ્લેખ કર્યો છે, જે અનુસાર સેપ્ટિક ટેન્ક, ભૂગર્ભ ગટરના મેનહોલ અને ચેમ્બરોમાં સફાઈ કરવા કે જોડાણો કરવા અંગે કોઈપણ વ્યક્તિએ અંદર ઉતરવું નહીં કે કોઈ સફાઈ કામદારને ઉતારવા નહીં. આવા સેપ્ટિક ટેન્ક, મેનહોલ અને ચેમ્બરોમાં રહેલા ઝેરી ગેસના કારણે અકસ્માત અને જાનહાની થવાની પ્રબળ શક્યતા રહે છે. જે કોઈ આ બાબતનો ભંગ કરશે તેની સામે કડક ફોજદારી પગલાં લેવામાં આવશે, તેવી પણ મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શહેરીજનોને પોતાની અને અન્યની સુરક્ષા માટે આ નિયમોનું પાલન કરવા વિનંતી છે.

 

(4:01 PM IST)