<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

માતાના સ્મરણાર્થે માતૃભૂમિ માટે ગજરા પરિવારનું માનવતાવાદી દાન : સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. ૧ લાખ અર્પણ

ભુજના નીરોણા ગામના વતની લક્ષ્મીબેન ગજરાના નિધન બાદ પુત્ર ખેતશી ગજરા દ્વારા પ્રેરક પહેલ : ધારાસભ્ય અને કલેક્ટરે રાષ્ટ્ર ભાવનાને બિરદાવી : સમાજને અનુકરણ કરવા અનુરોધ

વિનોદ ગાલા દ્વારા : મૂળ નખત્રાણા તાલુકાના નીરોણા ગામના વતની અને હાલ માધાપર ખાતે રહેતા ભાનુશાલી લક્ષ્મીબેન ખટાઉભાઈ ગજરાનું ૮૫ વર્ષની જૈફ વયે નિધન થતા તેમના પરિવારે સમાજ માટે એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે, તેમના પરિવારે પૂર્વ સૈનિક કલ્યાણ નિધિ (સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ) માં રૂપિયા ૧,૦૦,૦૦૦/- (એક લાખ) જેટલી માતબર રકમનું દાન આપ્યું છે.
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલની પ્રેરણાથી અને પરિવારના મોભી મોહનલાલ દયારામ ગજરાના સહયોગથી, સ્વર્ગસ્થ માતાના પુત્ર ખેતશી ગજરા (નિવૃત શિક્ષક) દ્વારા કચ્છના કલેક્ટર આનંદ પટેલને રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
સૈનિક કલ્યાણ માટે દાનનો નવો રાહ
આ તકે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, પરિવારના વડીલના અવસાન બાદ સનાતન ધર્મમાં દાનનો મહિમા છે, પરંતુ ગજરા પરિવારે સૈનિક પરિવારોના કલ્યાણ અર્થે આ રીતે દાન આપી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે. કચ્છ કલેક્ટર આનંદ પટેલે પણ ગજરા પરિવારની સમાજ માટે આવી પ્રેરણાદાયી પહેલને આવકારી હતી.
કચ્છ કલેક્ટરને ચેક અર્પણ કરતી વખતે ધારાસભ્ય કેશુભાઈ પટેલ, સ્વર્ગસ્થ લક્ષ્મીબેનનાં પુત્ર ખેતશી ગજરા, પૌત્રો ભરત અને સુજલ, માધાપર ભાનુશાલી મહાજનના પ્રમુખ નિતિન ગજરા અને પરિવારના પ્રવિણ ગજરા, ગોવિંદ ચુનડા, ઉપસ્થિત રહ્યા હતા.
આ સહયોગ બદલ કલેક્ટર અને પ્રમુખ, તથા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના અધિકારી હિરેન લીમ્બાચિયાએ ગજરા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સૈનિક કલ્યાણની વિવિધ કલ્યાણકારી યોજનાઓને હજુ વધુ વિસ્તૃત અને લાભકારી કરી શકાય તે માટે જિલ્લાના નાગરિકોને સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં આવી અનોખી રીતે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ ફાળો જિલ્લાના નાગરિકો, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રૂમ ન. ૧૧૪, બહુમાળી ભવન, ભુજ (ફોન ૦૨૮૩૨-૨૨૧૦૮૫) ખાતે રૂબરૂમાં રોકડ, ચેક, ડીમાન્ડ ડ્રાફ્ટ દ્વારા "કલેક્ટર અને પ્રમુખ, આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ, ભુજ" ના નામે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા મારફતે પણ જમા કરાવી શકાય છે. આ ઉમદા પહેલ ખરેખર અન્યોને પણ દેશસેવામાં યોગદાન આપવા પ્રેરિત કરશે.

(6:15 PM IST)