<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

સાયલાના ઇશ્વરીયાના રણછોડભાઇ ધાંધળની ક્રુર હત્‍યા : જુઓ વિડિયો

સાયલાના આયા ગામે નવા બની રહેલા પેટ્રોલ પંપની સાઇટ પરથી રણછોડભાઇ તેના કાકાના દિકરા અરજણ સાથે ઇશ્વરીયા જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં તેની કારને ડમ્‍પરથી આંતરી, બોલેરોથી ઉલાળી લોખંડની ચકરી, કુંડલીવાળી લાકડીઓ, પાઇપથી તૂટી પડયાઃ કાકાનો દિકરો જીવ બચાવવા ખેતરમાં છુપાઇ ગયો : ગામના વિજય રૂદાતલાના પિતા સાથે ૨૦૨૩માં મૃતક રણછોડ ઉર્ફ રસિકના કુટુંબીઓને ઝઘડો થયો હોઇ તેના મનદુઃખને કારણે વિજય સહિત છ જણાએ કાવત્રુ ઘડી અંજામ આપ્‍યોઃ સાયલા પોલીસે વિજય, તેના કાકા કાળુ, સાથેના જાદવ, ગોવિંદ, ગોપાલ અને કેશુ સામે ગુનો નોંધ્‍યોઃ રણછોડભાઇ ધાંધળના મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમઃ બે દિકરા, બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરિવારજનોમાં ગમગીની

 

રણછોડભાઇને પ્રથમ સાયલા હોસ્‍પિટલમાં ખસેડાયા ત્‍યારની તસ્‍વીરઃ (ફોટોઃ ફઝલ ચોૈહાણ-વઢવાણ) :  હત્‍યાનો ભોગ બનેલા રણછોડભાઇ ઉર્ફ રસિકભાઇ ધાંધળનો નિષ્‍પ્રાણ દેહ અને ફાઇલ ફોટો

રાજકોટ તા. ૧૨: જુના મનદુઃખને કારણે સાયલાના ઇશ્વરીયા ગામના ખેડૂત યુવાનની ઇશ્વરીયા ગામના જ છ શખ્‍સોએ કાવત્રુ ઘડી ક્રુર હત્‍યા કરી છે. આ યુવાન નવા પેટ્રોલ પંપની સાઇટ પર કામ ચાલુ હોઇ ત્‍યાંથી સાંજે પોતાના કાકાના દિકરા સાથે કારમાં ઇશ્વરીયા પોતાના ઘરે જતો હતો ત્‍યારે રસ્‍તામાં તેની ક્રેટા કારને ગામના જ છ શખ્‍સોએ ડમ્‍પરથી આંતરી, બોલેરોની ઠોકરે લીધા બાદ આ યુવાનને કારમાંથી બહાર ખેંચી લોખંડના ચક્કર, છરી, કુંડલીવાળી લાકડીઓ, પાઇપથી તૂટી પડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ વખતે કાકાનો દિકરો ભાઇ જીવ બચાવી નજીકના ખેતરમાં ઝાડીઓમાં છુપાઇ ગયો હતો. પોલીસે તેની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો  છે.

હત્‍યાની આ ઘટનામાં સાયલા પોલીસે હત્‍યાનો ભોગ બનનાર રણછોડભાઇ ઉર્ફ રસિકભાઇ અમરાભાઇ ધાંધળ (ઉ.વ.૪૨)ના કાકાના દિકરા સાયલાના ઇશ્વરીયા ગામે રહેતાં અરજણભાઇ માલાભાઇ ધાંધળ (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી ઇશ્વરીયા ગામના વિજય કલાભાઇ રૂદાતલા, તેના કાકા કાળુ બચુભાઇ રૂદાતલા, જાદવ ખોડાભાઇ ઉગરેજીયા, ગોવિંદ કલાભાઇ રૂદાતલા, ગોપાલ ગેલાભાઇ રૂદાતલા, કેશુ સામતભાઇ રૂદાતલા મળી છ જણા સામે ગેકાયદે મંડળી રચી, કાવત્રુ ઘડી કારને આંતરી લોખંડની ચકરી અને કુંડલીવાળી લાકડીઓના ઘા મારી હત્‍યા નિપજાવવાનો અને અરજણભાઇને મારી નાખવાની ધમકી આપ્‍યાનો ગુનો નોંધ્‍યો છે.

અરજણભાઇ ધાંધળ ખેતી કરી ગુજરાન ચલાવે છે તેણે જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને મારે સંતાનમાં દિકરી-દિકરો છે. મારા પિતા છ ભાઇઓ છે. તેમાં  અમરાભાઇ સોૈથી મોટા છે. તેમના દિકરાનું નામ રણછોડભાઇ ઉર્ફ રસિકભાઇ અમરાભાઇ ધાંધળ (ઉ.વ.૪૨) છે. રણછોડભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં. તેને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે, તે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. અમારા કુટુંબ અને હત્‍યા કરનારા પૈકીના વિજયના પિતા કલાભાઇને ૨૦૨૩માં બોલાચાલી ઝઘડો થયો હોઇ તેનું મનદુઃખ ત્‍યારથી ચાલતું હતું.

હાલમાં મારા મોટાબાપુના દિકરા રણછોડભાઇ ઉર્ફ રસિકભાઇ ધાંધળ નજીકના આયા ગામ પાસે પેટ્રોલ પંપ બનાવી રહ્યા હોઇ ત્‍યાં કામ ચાલુ હોવાથી હું અને રણછોડભાઇ બુધવારે ૧૧મીએ સવારે અમારી ક્રેટા કાર લઇને પંપના કામની સાઇટ પર ગયા હતાં. સાંજે સાડા સાતેક વાગ્‍યે હું અને રણછોડભાઇ પરત અમારા ગામ તરફ જતાં હતાં ત્‍યારે આયાથી ઇશ્વરીયા તરફ જતાં રસ્‍તે મરડીયા બંધ કારખાના રોડ પર પહોંચતા અમારી કાર સામે ડમ્‍પર જીજે૨૪એક્‍સ-૬૬૦૯ આવી ગયું હતું અને અમારી કાર સાથે અથડાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ અમારી કાર ડમ્‍પર સાથે અથડાઇ નહોતી.

આ દરમિયાન સામેથી સફેદ કલરની બોલેરો જીજે૧૩એબી-૧૭૧૧ પુરઝડપે આવી હતી અને અમારી કાર સાથે અથડાવી દેતાં અમારી કાર ઉભી રહી ગઇ હતી. એ પછી બોલેરોમાંથી વિજય રૂદાતલા દાંતાવાળુ બેલા કાપવાનું લોખંડનું ચક્કર લઇને ધસી આવ્‍યો હતો. તેની સાથે જાદવ ધારાડુંગળીવાળો ધારીયુ લઇને, વિજયના કાકા કાળુ છરી લઇને, ગોવિંદ પાઇપ સાથે અને ગોપાલ કુંડલીવાળી લાકડી તથા કેશુ પણ લાકડી સાથે ધસી આવ્‍યા હતાં. આ બધાએ મારા ભાઇ રણછોડભાઇ ઉર્ફ રસિકભાઇને કારમાંથી ખેંચી ઢસડી માર મારવાનું ચાલુ કરતાં હું ડરીને ખેતરમાં બાવળની ઝાડીમાં સંતાઇ ગયો હતો. મારા ભાઇને આ લોકો મારતી વખતે રાડો પાડીને આજે તો પતાવી જ દેવો છે તેવુ કહેતાં હતાં. ત્‍યારબાદ મારાભાઇ બેભાન થઇ લોહીલુહાણ થઇ પડી જતાં આ લોકો બોલેરો, ડમ્‍પર લઇ ભાગી ગયા હતાં.

હું બાદમાં રોડ પર ગયો હતો અને અમારા કુટુંબીઓને ફોન કર્યો હતો. ૧૦૮ પણ આવી જતાં રણછોડભાઇને અમે સાયલા સરકારી દવાખાને લઇ ગયા હતાં. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. અમારા કુટુંબીઓને અને આરોપી વિજયના પિતા કલાભાઇને વર્ષ ૨૦૨૩માં ઝઘડો થયો હોઇ તેના મનદુઃખને કારણે અમારી કારને ડમ્‍પર, બોલેરોથી આંતરી આ બધાએ મારા ભાઇની હત્‍યા કરી નાંખી હતી. તેમ વધુમાં અરજણભાઇએ કહેતાં ઇન્‍ચાર્જ પીઆઇ ડી. ડી. ચુડાસમાએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ  હાથ ધરી છે. મૃતદેહને પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો. (૧૪.૫)

(1:01 PM IST)