<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

કચ્‍છી નોબત વાદક શૈલેષ જાનીના લાભાર્થે મુંબઇમાં ઓસમાણ મીર-આમિર મીરનો લોકડાયરો

‘જાનીદાદા' જાણીતા શૈલેષભાઇ સતત ૪૦ કલાક નોબત વગાડી ચુકયા છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧રઃ હાલ ગુજરાત સહિત કચ્‍છમાં નોબત વાદન ક્ષેત્રે મોટા ગજાના કલાકાર શૈલેષ જાનીની કલા સાધના અને જાહેર જીવનની તેમની સેવાકીય પ્રવળતિની નોંધ લઈ તેમને સહાયરૂપ બનવા મિત્ર અને શુભેચ્‍છક પરિવાર દ્વારા મુંબઈ મધ્‍યે લોકડાયરાનું આયોજન કરાયું છે. રવિવાર તા. ૧૫ જૂનના સન્‍મુખાનંદ હોલ મધ્‍યે સાંજે ૬:૩૦ થી રાત્રે ૧૦ વાગ્‍યા સુધી આ આયોજન કરાયું છે. ‘જાનીદાદા' તરીકે સંગીત કલાકારોની દુનિયામાં જાણીતા શૈલેષ જાની આજના અનેક પ્રતિભાશાળી કલાકારોને સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં સ્‍ટેજ આપવામાં મદદરૂપ બન્‍યા છે. શિવ ભક્‍ત શૈલેષ જાની ગૌ સેવા માટે સતત ૨૪ કલાક તેમજ ૪૮ કલાક નોબત વગાડી ચૂકયા છે. સૈન્‍યના જવાનો માટે મ્‍યુઝિકલ નાઇટ, પોલીસ જવાનો માટે નવરાત્રિ સહિત સંતવાણીના અનેક ધાર્મિક આયોજનો માં સહયોગી બન્‍યા છે. તબલા અને ઢોલક કરતા અલગ પડતું સંગીત વાદ્ય નોબત એ દાદ માંગી લે એવું વાદન છે. ખાસ કરીને નવરાત્રિ અને ગરબા માં નોબત વાદન સૌથી અલગ ભાત પાડે છે. આ નોબત વાદનમાં હાલે ગુજરાતના જૂજ કલાકારોમાં શૈલેષ જાનીનું નામ આગળ પડતું છે. તેમના નોબત વાદનની નોંધ લિમ્‍કા બુક ઓફ રેકોર્ડસમાં પણ લેવાઈ છે. મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા કલાકાર ઓસમાણ મીર અને આમિર મીર લોક ડાયરાની જમાવટ કરશે. ઓસમાણ મીર અને આમિર મીર બંને આ પર્ફોમન્‍સ માટે સહયોગી બન્‍યા છે. અજરામર ટ્રસ્‍ટ કચ્‍છ દ્વારા આયોજિત આ સમગ્ર કાર્યક્રમના પ્રેરક મુંબઈના લાલ રાંભિયા, પ્રતીક મહેતા અને વિક્રમ નિઝામાએ જણાવ્‍યું હતું કે, આ કાર્યક્રમના આયોજનથી એકત્ર થનાર તમામ ધનરાશિ શૈલેષ જાનીને આર્થિક સહાય તરીકે અપાશે. કાર્યક્રમ માટે કચ્‍છના સાંસદ વિનોદ ચાવડા ઉપરાંત મુંબઇ કચ્‍છના સામાજિક આગેવાનો, મસ્‍કત ગુજરાતી સમાજનો સારો સહયોગ મળી રહ્યો છે. અજરામર ટ્રસ્‍ટ કચ્‍છના મયુર બોરીચા અને વિનોદ ગાલાએ જીવનભર સંગીતના ઉપાસક એવા શિવ ભક્‍ત શૈલેષ જાનીના સમર્પણ ભાવની નોંધ લઈ આ કાર્યક્રમમાં સહયોગી બનનાર તમામ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી છે

(11:08 AM IST)