News of Thursday, 12th June 2025
મોરબીના નવી પીપળી ગામે ગેસ રીફીલીંગ કૌભાંડ પકડાયું: ૯૩ બાટલા સાથે એકની ધરપકડ
તાલુકા પોલીસે સંદીપ કાલરીયાના ઘરમાં વિદેશી દારૂ અંગે દરોડો પાડયા બાદ દારૂ સાથે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપી લીધું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૨: મોરબી તાલુકા પોલીસે નવી પીપળી ગામે વિદેશી દારૂના દરોડા દરમિયાન આરોપી પોતાના ઘરના વરંડામા રાંધણ ગેસના બાટલાનું ગેરકાયદેસર રિફીલિંગ પણ કરતો હોવાનું સામે આવતા પોલીસે અલગ અલગ કંપનીના ખાલી અને ભરેલા મળી ૯૩ બાટલા, ઇલેક્ટ્રિક મોટર, વજન કાટો, પાના પકડ અને એક છોટા હાથી સુપર કેરી વાહન સહિત કુલ રૂપિયા ૫,૩૭,૨૦૦ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે નવી પીપળી ગામે ઓમપાર્કમાં રહેતા સંદીપ રમેશભાઈ કાલરીયાના ઘેર વિદેશી દારૂ ઝડપી લેવા દરોડો પાડી દારૂનો જથ્થો પકડી પાડવાની સાથે આરોપી સંદીપ પોતાના ઘરના વરંડામાં રાંધણ ગેસના બાટલાનું ગેરકાયદેસર રિફીલિંગ કરતો હોવાનું જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને રાંધણ ગેસના અલગ અલગ કંપનીના થોકબંધ બાટલા કબ્જે કરવામાં આવ્યા હતા.
દરોડા દરમીયાન પોલીસે આરોપી સંદીપના ઘરના વરંડામાથી સુપર ગેસના ભરેલા ૪૨ બાટલા, સુપરગેસના ૧૫ મોટા અને એક નાનો ખાલી બાટલો, ઈન્ડેન ગેસના ૧૮ બાટલા, એક ઇન્ડેન ગેસનો ભરેલો બાટલો, એચપી ગેસના ૧૬ ખાલી બાટલા, ગેસ રિફિલ કરવાની ઇલેક્ટ્રિક મોટર, એક નોઝલ સાથેની નળી, એક ઇલેક્ટ્રિક કાંટો, લોખંડના પાના નંગ ૪ તેમજ જીજે - ૩૬ - વી - ૫૪૫૬ નંબરનું છોટા હાથી જેવું સુપર કેરી વાહન સહિત કુલ રૂપિયા ૫,૩૭,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પોતાના ઘરના વરંડામાં ગેરકાયદેસર રીતે એક બાટલામાંથી ઈલેક્ટ્રિક મોટર તેમજ અન્ય સાધનો વડે ગેસ કાઢી બીજા બાટલામાં ભરી જોખમી રીતે ગેસ રિફીલિંગ કરતો હોવાનું સામે આવતા તાલુકા પોલીસે આરોપી સંદીપ કાલરીયા વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અન્વયે ભારેખમ કલા જબ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. (રર.૧૪)
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
