News of Thursday, 12th June 2025
ધોરાજીના જુનાગઢ રોડ પર રસ્તાના નબળા કામને લઈ રાજકારણ ગરમાયું
એક કિલોમીટર નવો બનાવેલો ડામરનો પ્રથમ લહેરનો રોડ નિયમ વિરુદ્ધ હોય જેથી તેને કાઢીને ફરીથી બનાવવાનો આદેશ કરતું તંત્ર

ધોરાજી, તા., ૧૨ : ધોરાજીના જુનાગઢ રોડ સ્ટેટ હાઇવે પર રોડ રસ્તા ના નબળા કામને લઈ ભારે ચર્ચાઓ ઉઠી રહી છે અને લોકોના રોષની સાથે ધોરાજીમાં રસ્તા મામલે રાજકારણ પણ ગરમાયું છે.
ધોરાજી જુનાગઢ રોડ રાજકોટ ની હદ સુધી પ્રજાની લડત નવ વર્ષ સુધી ચાલતી હતી બાદ મંજૂરી મળતા ૮ કરોડના ખર્ચે તૈયાર થતા પેવર રોડ પ્રથમ કામમાં જ ભ્રષ્ટાચાર જોવા મળ્યો હતો.
ધોરાજી જુનાગઢ રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા એક કિલોમીટર પ્રથમ લહેરનો નવો રોડ બનાવી નાખતા અને એ રોડમાં ડામર ઓછો હોય અને કાકરી એમનેમ રોડ ઉપર ફેલાઈ જતા આ વિસ્તારના લોકોએ નબળા કામ અંગે વિડીયો ઉતારીને જાહેરમાં વાયરલ કરતા ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનોમાં પણ રેલો આવી ગયો હતો. બાદ ઘટના સ્થળે જોવા માટે કોંગ્રેસના આગેવાનો અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા તેમજ વર્તમાન ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વાસ્તવિક જોતા ભાંડો ફૂટયો હતો.
જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા અને તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગમાંથી એક કિલોમીટર બનાવેલો રોડ તાત્કાલિક ખસેડીને ફરીથી નવો રોડ બનાવવા નિયમ પ્રમાણે આદેશ કર્યો હતો
ધોરાજી અને જૂનાગઢને જોડતા સ્ટેટ હાઇવે ની હાલત ઘણા સમયથી કફોડી હતી ત્યારે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ હાઇવે પર ૮ km નો કરોડોના ખર્ચે નવો રોડ રિ ર્સફિંગ કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેની ૩૦ તારીખે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા અને ભાજપના આગેવાનો દ્વારા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પરંતુ રોડનું કામ શરૂ થતા ની સાથે જ કોન્ટ્રાક્ટર દ્વારા ડામર નાખ્યા વિના માત્ર કાકરી પાથરી લોટ પાણીને લાકડાથી પણ બદતર રોડ બનાવવામાં આવતા જાગળત નાગરિકોએ નબળા રોડનું કામ થતું હોવાનું વિડીયો બનાવી વિડીયો વાયરલ થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
જુનાગઢ રોડનું નબળું કામ થતું હોવાની ઘટનાને મામલે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા અને કોંગ્રેસના આગેવાનોની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને સંબંધિત અધિકારીઓ સાથે પણ ટેલિફોનિક વાત કરી હતી ત્યારબાદ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા ભાજપના અગ્રણી જયંતીભાઈ બાલધા પરેશભાઈ વાગડિયા દિલીપભાઈ હોતવાણી સહિત આગેવાનો પણ જુનાગઢ રોડ પર તાત્કાલિક અસરથી પહોંચી ગયા હતા.
સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ ધારાસભ્ય મહેન્દ્રભાઈ એ માર્ગ અને મકાન વિભાગના સેક્રેટરીને રોડ રસ્તાની નબળી કામગીરી અંગેના અહેવાલો અને વિડીયો પણ મોકલી આપ્યા હતા તેમ જ ગુણવત્તા યુક્ત કામ થાય અને જવાબદાર સામે કડક પગલાં ભરવામાં આવે તે પ્રકારની માગણી કરી હતી અને નબળા કામ કરતા કોન્ટ્રાક્ટરને પણ ખખડાવી નાખ્યા હતા
અધિકારી શું કહે છે...?
માર્ગ અને મકાન વિભાગના ધોરાજી ઉપલેટાનો ચાર્જ સંભાળતા અધિકારી અલ્પેશ જોગરાણાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે ધોરાજી જુનાગઢ રોડનું કામ અંદાજે એક કિલોમીટર પ્રથમ લહેરનું કામ જૂનાગઢની એજન્સી દ્વારા કરવામાં આવેલ છે જે બાબતની ફરિયાદ આવતા અને ગાંધીનગરથી તપાસ આવતા આ બાબતે ૧ km અંદાજે પ્રથમ લહેરનું કામ કર્યું છે તે નબળું હોય જેથી તાત્કાલિક અસરથી પ્રથમ લહેરનો કરેલું કામ મેં ફરીથી ઉખેડીને સાફ કરી નવેસરથી નિયમ પ્રમાણે કામ કરવાનો આદેશ કર્યો છે
કોઈપણ પ્રકારનું નબળું કામ કોન્ટ્રાક્ટર કરશે તો ચલાવી લેવામાં નહીં આવે તે બાબતની કોન્ટ્રાક્ટરને પણ નિયમ પ્રમાણે સૂચનાઓ આપવામાં આવી છે
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વસોયા શું કહે છે.......?
ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયાને જણાવ્યું હતું કે ધોરાજી વિસ્તારમાં તેમના કાર્યકાળ દરમિયાન પણ અનેક રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે નગરપાલિકા હદ વિસ્તારમાં પણ મોટાભાગે ડામર અને સિમેન્ટના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ તેમાં એક પણ પ્રકારની ગેરરીતિ થવા દેવામાં આવી નથી. આ ઉપરાંત અધિકારીઓની હાજરીમાં અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ રોડ રસ્તાના કામ કરવામાં આવ્યા છે એક પણ પ્રકારના નબળા કામો ચલાવી લેવામાં આવ્યા નથી ત્યારે બીજી તરફ હાલમાં જુનાગઢ રોડ પર ડામરને બદલે માત્ર કાંકરીઓ પાથરી દેવાનું કારસ્તાન અને મોટા પાયે ભ્રષ્ટાચાર રોડ રસ્તામાં કરવામાં આવી રહ્યો છે.
કોન્ટ્રાક્ટરને જો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા સાંભળવામાં આવતા ન હોય અથવા કોઈ પણ પ્રકારની મિલીભગત ન હોય તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરી લોકોને બતાવી આપે તેમજ કોન્ટ્રાક્ટરને તેમના લાયસન્સો રદ કરી આપવામાં આવે અને સક્ષમ અધિકારી સામે દંડાત્મક કામગીરી કરી પ્રજા સમક્ષ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવું જોઈએ.
ધોરાજીના જુનાગઢ રોડ પર જે પ્રકારે આઠ કિલોમીટરના સ્ટેટ હાઇવે ના રોડ રસ્તાના નિર્માણ કાર્યમાં જે પ્રકારે પ્રજાની અને સરકારની મશ્કરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હોય તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે આ પ્રકારે જો કામ થાય તો એ સરકાર માટે પણ લાંછન રૂપ ગણી શકાય.
માત્ર ભ્રષ્ટાચારથી બનેલો રોડ ફરી ઉખેડીને નવો બનાવો જે ગાંધીનગર એ આદેશ કર્યો છે એ બરોબર છે. પરંતુ મિલીભગત ખુલી જોવા મળી છે તે બાબતે પણ સરકારની છબી ન ખરડાય તે માટે સરકારે આવી એજન્સીને બ્લેક લિસ્ટ કરી પ્રમાણિકતાનો સચોટ દાખલો બેસાડવો જોઈએ. (તસ્વીરઃ કિશોર રાઠોડ)
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
