<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

વાંકાનેરના લુંટ - મારામારીના ગુનામાં સજા થયેલ આરોપીની મોરબી સેસન્‍સ કોર્ટમાં અપીલઃ ત્રણ આરોપીઓના જામીન મંજુર

રાજકોટ તા.૧૨: વાંકાનેરમાં લુંટ તથા મારામારીના ગુન્‍હામાં સજા પામેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

વાંકાનેર અદાલત દ્વારા એક આરોપીને લુંટ તથા મારામારી તેમજ અન્‍ય બે આરોપીઓને મારામારીના ગુન્‍હામાં ૭ વર્ષ કેદની સજા આપવામાં આવેલી હતી.

આ અંગેની વિગત એવી છે કે,  તા.૨૯:૧૨/૨૦૧૯ના રોજ પ્રમોદકુમાર ઉદયભાઈ રાઠોડ દ્વારા વાંકાનેર  સીટી પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવેલ કે તેઓ તા.૨૮/૧૨/૨૦૧૦ ના રોજ બપોરે ૨-૦૦ વાગ્‍યે તેઓની ખેતીની જમીન ખેડતા સુરૂભાના દીકરા ભગીરથસિંહનો ફોન આવેલ અને તેઓને જણાવેલ કે તેઓની ખેતીની જમીન સ.નં. ૧૫૫ માં અમુક માણસો જે.સી.બી. મશીન લઈને આવેલ છે અને તેમાં જે.સી.બી. મશીન ચલાવે છે જેથી ફરીયાદી તથા તેની પત્‍ની બંને ગાડી લઈ સદરહું જગ્‍યાએ ગયેલ અને ફરીયાદી અને તેઓની પત્‍નીને જણાવેલ કે આ ખેતીની જમીન તેઓની માલીકીની છે. જેથી ફરીયાદીએ જણાવેલ કે આ ખેતીની જમીન અમોની માલીકીની છે અને આ જમીનમાં કબ્‍જો કરવાની કોશીશ ન કર જેથી ઘનશ્‍યામસિંહ ઉશ્‍કેરાઈ ગયેલ અને અમોને કહેલ કે ૧૦ મીનીટ રાહ જોવો તેઓએ કોઈને ફોન કરીને બોલાવેલ અને જેથી તે દરમ્‍યાન અન્‍ય આરોપીઓ કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, વનરાજસિંહ માલુભા ઝાલા તથા અન્‍ય એક અજાણ્‍યો વ્‍યકિત ત્‍યાં આવેલ અને તેઓએ તલવાર તથા લાકડીઓથી કરીયાદી તથા તેના પત્‍નીને માર મારેલ ત્‍યારબાદ તેઓ કોઈને ફોન કરવા જતા ફરીયાદીના ફોન તથા સીમકાર્ડની લુંટ ચલાવેલ હતી.

ત્‍યારબાદ કોઈ દ્વારા પોલીસને ફોન કરતા પોલીસના માણસો ત્‍યાં આવી જતા વાંકાનેર સરકારી હોસ્‍પીટલમાં દાખલ કરેલ હતા. જે અનુસંધાને વાંકાનેર સીટી પોલીસ સ્‍ટેશન ધ્‍વારા આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૩૯૪, ૧૧૪ તથા બી.પી.એકટની કલમ ૧૩૫ મુજબનો ગુન્‍હો નોંધેલ જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્‍ટેશન ધ્‍વારા (૧) ઘનશ્‍યામસિંહ લખુભા ઝાલા (૨) કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા (૩) વનરાજસિંહ માલુભા ઝાલા (૪) અતુલભાઈ જેઠાલાલ ભટ્ટ વિગેરેની ધરપકડ કરેલી હતી.

ત્‍યારબાદ સદરહું ગુન્‍હામાં ચાર્જશીટ થતા કેસ ચાલી જતા  સેશન્‍સ અદાલત ધ્‍વારા (૧) ઘનશ્‍યામસિંહ લખુભા ઝાલાને આઈ. પી.સી. કલમ ૩૨૩માં ૧ラ-વર્ષ ૩૨૫ માં ૭-વર્ષ, ૩૯૪ માં ૫-વર્ષ (૨) કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા (૩) વનરાજસિંહ માલુભા ઝાલાને આઈ.પી.સી. કલમ ૩૨૩ માં ૧-વર્ષ, ૩૨૫ માં ૭ વર્ષ તથા દંડ કરવામાં આવેલ હતો તેમજ (૪) અતુલભાઈ જેઠાલાલ ભટ્ટને સદરહું ગુન્‍હા અનુસંધાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ હતો. આ હુકમ સામે આરોપી ઘનશ્‍યામસિંહ અને વનરાજસિંહ દ્વારા મોરબી સેસન્‍સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.

 તેમજ આ કેસમાં આરોપી વિરુધ્‍ધ કોઈ પ્રથમ દર્શનીય પુરાવો રજુ કરી શકેલ નથી, આરોપીઓની સામે માર મારવાનો કે લુંટ કરવાનો કોઈ હેતુ સાબીત થતો નથી મહત્‍વના સાહેદોને ફરીયાદ પક્ષે તપાસેલ નથી. અને કાયદાકીય મુદાઓની દલીલો કરવામાં આવેલ હતી અને ઉચ્‍ચ અદાલતના ચુકાદાઓ રજુ રાખવામાં આવેલ હતા. ઉપરોકત બચાવપક્ષની દલીલો, અને કાયદાકીય આધારો અને વાંકાનેર અદાલતમાં રજુ થયેલ પુરાવાઓ અને જુબાનીઓ ધ્‍યાને લઈ મોરબી સેશન્‍સ અદાલત ધ્‍વારા આરોપી (૧) ઘનશ્‍યામસિંહ લખુભા ઝાલા (૨) કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા (૩) વનરાજસિંહ માલુભા ઝાલાને અપીલ ચાલતા દરમ્‍યાન જામીન ઉપર મુકત કરેલ છે.

આ કામમાં મોરબીના ધારાશાસ્ત્રી  જીતુભા જાડેજા તથા રાજકોટના ધારાશાસ્ત્રી  ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, દિપ પી. વ્‍યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર રોકાયેલ હતા.

(4:02 PM IST)