<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

નર્મદાબાની વિદાય સાથે તલગાજરડાનો એક ખૂણો કાયમ ખાલી રહેશે

પૂ.મોરારીબાપુના અથાક પ્રવાસો, અફાટ કથાઓ અને અખૂટ મુલાકાતીઓના મહેરામણ વચ્‍ચે પરિવારની ધરી બનીને રહ્યા'તા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: નર્મદાબાની વિદાય સાથે તલગાજરડાનો એક ખૂણો ખાલી રહેશે કાયમ માટે પરિવારનો. એમને કાયમ હનુમાનજયંતી જેવા અવસરે પરિવાર સાથે બસ સહજ બેઠેલા જોયા હોય. મનોમન દૂરથી પણ વંદન કર્યા હોય. એ સંવાદના નહીં, સંવેદનાના તપસ્‍વી લાગે. પ્રિય મોરારિબાપુના અથાક પ્રવાસો, અફાટ કથાઓ ને અખૂટ મુલાકાતીઓના મહેરામણ વચ્‍ચે પરિવારની ધરી બનીને રહ્યા. ઘર માતાથી રળિયાત થતું હોય. સેવા પણ એમણે આપણે કોઈ સમજણા ન હોઈએ ત્‍યારથી કરી હોય વડીલોની અને તોહ પણ આપ્‍યો હોય સંતાનોને. મા એટલે તો શીતળતાને હૂંફ જેવા બેઉ વિરોધાભાસી લાગતા ગુણો એક સાથે આપેને  આંગણાને અજવાળે.

આજે જઈને નજરે જોયું બાપુની પરમ સાધુતાનું ફોરમતું ફૂલ. આંખના કોઈ એક ખૂણે હશે જ વિષાદનું અદૃશ્‍ય આંસુ, પણ બાપુ તો કાયમ આ સંસારની પેલે પારના પ્રવાસી લાગ્‍યા છે. એ પ્રચલિત અર્થમાં વિરક્‍ત બનીને દુનિયાથી દૂર નથી જતા, પણ એમનું ચૈતન્‍ય એ હદે નિજમસ્‍ત છે, કે સ્‍થૂળ દુનિયાદારી એમનાથી આપોઆપ દૂર થઈ જાય. બાપના એ હૈયામાં પણ બધા માટે આજ પણ મીઠો આવકારો હતો, અને બધાના નામ લઈ ખબર અંતર પૂછે, હોંકારો આપે! કેવી ગજબની સ્‍વસ્‍થતા. હિંડોળો જ્‍યારે સેલ્લારા મારતો હોય ત્‍યારે પણ ગતિ હોવા છતાં એની સ્‍થિરતા છોડતો નથી. બહારથી ભલે આંદોલનમાં લાગે પણ એનું સ્‍થાન અવિચળ રહે છે. બાપુ આ પરમ પ્રેમની અવસ્‍થાએ છે જ્‍યાં ભીતરની સ્‍થિરતા થકી બહારનો લય આંદોલિત થયા કરે. પણ એમની કરુણા કોમળ છે, એક આખો જીવનનો વર્ષોમાં વિસ્‍તરેલો પ્રસંગપટ આપણને જેમ સ્‍વજનની વિદાય વખતે થાય, એમ એમની આંખ સામે પણ તરવરી ગયો હશે. બાપુ એટલે તો આટલા વ્‍હાલા છે કે એ કોઈ અલગ લોકમાં બેઠેલા મૂર્તિ જેવા લાગતા દિવ્‍ય દેવ નથી, લોકો વચ્‍ચે જઈને એમની સાથે જીવતા મીઠડા માણસ છે. ભીના અને ભવ્‍ય મનુષ્‍ય. પણ બીજા સજળ ન થાય થાય એ માટે અંગત લાગણીઓ આડે સજ્જડ કમાડ વાસવાનું કઠણ કાર્ય દરેક મોભીઓએ કરવું પડે છે.

 નર્મદામૈયા કહો તો એક પવિત્ર પુલકિત જળપ્રવાહનું સ્‍મરણ થાય. સદા વહેતો અને સતત પોષતો. બધું આપ્‍યા પછી કશું ના માંગતો. આ નર્મદામૈયાએ પોતે સદાય શૂન્‍યવત રહી એમના સંસારના કેન્‍દ્ર, એમના તોહના આધાર, એમના દાંપત્‍યના ભરથારને આપણા બધાના સંસાર સાથે વહેંચીને, દુલારી સાથે જે મૌન દાતારી કરી છે - એ સમર્પણ માટે સત્‍ય, પ્રેમ, કરુણા મય એવા મારા જેવા અનેક એમના તો ઋણી જ રહીશું. બધા સંતાનોના પરિચયમાં આવવાના સૌભાગ્‍યવશ બીજું અંગત ન ખોલતા એટલું તો લખી શકું કે સંસ્‍કારના એ દીવડાઓમાં બાપના આશીર્વાદ સાથે માનો તોહ (હિન્‍દીમાં તોહનો એક અર્થ તેલ પણ થાય તિાગ્‍ધતાના રૂપે) પ્રકાશ પાથરતો રહ્યો અને રહેશે. મા ને બાપ હંમેશા એમ જ પોતીકાઓના દેહમાં કોષ બનીને ને અને દિમાગમાં સ્‍મરણકોશ બનીને જીવે છે. સુવાસિત અસ્‍તિત્‍વને વિદાયવંદન. જય સિયારામ. 

(3:45 PM IST)