News of Friday, 13th June 2025
લાખો રૂપિયાનાં ખર્ચે થતી ‘સેક્રોકોલ્પોપેકસી' સર્જરી સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે
મહિલાઓના આરોગ્ય સંભાળના ક્ષેત્રે નવો ઇતિહાસઃ સૌપ્રથમ વખત મોટી અને ખુબ જ જટીલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૩: સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી મહાત્મા ગાંધી સ્મારક જનરલ સરકારી હોસ્પિટલે મહિલાઓના આરોગ્ય સંભાળના ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે. જિલ્લાના ઈતિહાસમાં સૌપ્રથમ વખત, સેક્રોકોલ્પોપેકસી જેવી અત્યંત જટિલ, ખર્ચાળ અને પડકારજનક સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને સરકારી હોસ્પિટલે ન માત્ર એક મહિલા દર્દીને નવું જીવન આપ્યું છે, પરંતુ સરકારી આરોગ્ય સેવાઓની ક્ષમતા અને સમર્પણનો એક ઉત્તમ દાખલો સ્થાપિત કર્યો છે. આ સફળતાએ સરકારી હોસ્પિટલ તંત્ર, કુશળ ડોકટરો, ર્નસિંગ સ્ટાફ અને સહાયક ટીમના સમન્વયનું પરિણામ છે. જેનાથી જિલ્લાની સરકારી આરોગ્ય સેવાઓમાં નવું આયામ ઉમેરાયું છે.
પડકારજનક કેસ વિશે વિસ્તળત માહિતી આપતા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડો. ચૈતન્ય પરમારે જણાવ્યું હતું કે, એક મહિલા દર્દી, જે હિસ્ટેરેકટોમી એટલે કે ગર્ભાશય દૂર કરવાની સર્જરી કરાવ્યા બાદ ગંભીર વોલ્વ પ્રોલેપ્સ (Pelvic Organ Prolapse)ની સમસ્યાથી પીડાતા હતા. આ સમસ્યામાં પેલ્વિક અવયવો નબળા થઈ જાય છે અને તેનું સ્થાન પણ બદલાઈ જાય છે. જેના કારણે દર્દીને દૈનિક જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા કેસમાં સેક્રોકોલ્પોપેકસી સર્જરી એક અસરકારક અને લાંબા ગાળાનું સમાધાન છે.
સેક્રોકોલ્પોપેકસી સર્જરી વિશેની વધુ વિગતો આપતાં તેઓએ ઉમેર્યું હતું કે, આ એક એવી સર્જરી છે, જેમાં ગર્ભાશય અથવા અન્ય પેલ્વિક અવયવોને સેક્રમ (હાડકાના નીચેના ભાગ) સાથે મેશની મદદથી જોડવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા પેલ્વિક અવયવોને યોગ્ય ટેકો આપવામાં આવે છે, જેથી દર્દી ફરીથી સામાન્ય જીવન જીવી શકે. આ સર્જરી માટે ઉચ્ચ કૌશલ્ય, આધુનિક સાધનો અને ટીમના સમન્વયની જરૂર હોય છે. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચે આ સર્જરી થાય છે.
સુરેન્દ્રનગર જેવા નાના શહેરમાં આવી સર્જરી માટે અમદાવાદ જેવા મોટા શહેરોમાંથી નિષ્ણાંત ડોકટરોને બોલાવવા પડે છે. પરંતુ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલે આ પડકારને સ્વીકારીને એક નવો ઇતિહાસ રચ્યો છે. આ પડકારજનક સર્જરીની સફળતા બદલસ્ત્રીરોગ વિભાગની ટીમને અભિનંદન પાઠવી બિરદાવ્યા પણ હતા.
ડો. ચૈતન્ય પરમારે જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં કહ્યું હતું કે, તેઓ સરકારી હોસ્પિટલની સેવાઓનો મહત્તમ લાભ લે અને ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયા ખર્ચવાને બદલે સરકારી હોસ્પિટલોમાં પ્રાપ્ય આધુનિક સુવિધાઓ સાથેની સેવાઓ વિનામૂલ્યે મેળવી શકે છે.
ટીમવર્કની તાકાત
મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડો. ચૈતન્ય પરમારનો દિશા નિર્દેશ હેઠળ ડો. જીજ્ઞેશ ચૌહાણની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ડો. નયન પરાલિયા, ડો. વૈભવી ચાવડા, એનેસ્થેસિયા નિષ્ણાંત ડો. નિરજ સોલંકી અને કુશળ ર્નસિંગ સ્ટાફ તેમજ સર્જીકલ ટેકનિશિયનની ટીમે આ જટિલ સર્જરીને સફળ બનાવી હતી.
જિલ્લા માટે ગૌરવની ક્ષણ
આ સર્જરીની સફળતા સુરેન્દ્રનગર જિલ્લા માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિホ છે. આવી જટિલ સર્જરી સામાન્ય રીતે જિલ્લાની ખાનગી હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ નથી, અને જો ઉપલબ્ધ હોય તો પણ તેનો ખર્ચ લાખો રૂપિયામાં હોય છે. એવામાં, સરકારી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરી થવી એ જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. આ સફળતા એ દર્શાવે છે કે સરકારી હોસ્પિટલો પણ ઉચ્ચ સ્તરની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં સક્ષમ છે, જેનાથી સામાન્ય નાગરિકોને ખર્ચાળ સારવારનો બોજ ઉઠાવ્યા વિના ગુણવત્તાયુક્ત સેવા મળી શકે છે.
દર્દીના જીવનમાં પરિવર્તન
આ સર્જરીએ દર્દીના જીવનમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. વોલ્વ પ્રોલેપ્સની સમસ્યાથી પીડાતી આ મહિલા દર્દી હવે સામાન્ય અને સ્વસ્થ જીવન જીવી શકશે. આ સર્જરીએ તેમની જીવનશૈલીમાં સુધારો કર્યો છે અને તેમને જીવવાની નવી આશા આપી છે. આ સફળતા એ માત્ર એક દર્દીની વાર્તા નથી, પરંતુ સમગ્ર જિલ્લાના લોકો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે.
રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને જનજનના સ્વાસ્થ્યની ચિંતા એ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રનો મજબૂત પાયો છે. રાજ્ય સરકાર દ્વારા હંમેશાં આરોગ્ય સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, ખાસ કરીને ગ્રામીણ અને નાના શહેરોના લોકો માટે. સરકારી હોસ્પિટલોને આધુનિક સુવિધાઓ, કુશળ ડોકટરો અને નવીન ટેકનોલોજીથી સજ્જ કરી ખાનગી હોસ્પિટલોની સમકક્ષ અથવા તેનાથી પણ ઉચ્ચ સ્તરની સેવાઓ પૂરી પાડી શકે તે માટે સક્ષમ બનાવવામાં આવી રહી છે. જેથી ગામડાઓ અને નાના શહેરોના સામાન્ય નાગરિકોને પણ આર્થિક બોજ વિના ગુણવત્તાયુક્ત અને ઉત્તમ સારવાર મળી રહે છે. આથી દરેક નાગરિકોએ ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયા ખર્ચવાને બદલે, સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ ગુણવત્તાયુક્ત સેવાઓ પર ભરોસો રાખવો જોઈએ
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
