તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Friday, 13th June 2025
ભાવનગર જિલ્લામાં બાળ અને તરૂણ શ્રમયોગી પ્રતિબંધ અને નિયમન કાયદા હેઠળ પાંચ વર્ષમાં ૧૧૧ બાળકોને મુક્ત કરાવીને રૂ.૧,૪૫,૦૦૦નો દંડ વસૂલાયો
૧૦૦ જેટલી રેડ કરીને ૧૪ બાળ શ્રમિકો અને ૯૭ તરુણ શ્રમિકોને મુક્ત કરાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩: ભારતીય બંધારણની કલમ - ૨૩માં જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં બાળ મજૂરીના દૂષણને નાથવા માટે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૦૦થી વધુ રેડ પાડીને ૧૧૧ બાળકોને મુક્ત કરાવીને મજૂરીએ રાખનાર આવા એકમો પાસેથી રૂ.૧,૪૫,૦૦૦થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. જિલ્લામાં ૧૦૦ જેટલી રેડ કરીને ૧૪ બાળ શ્રમિકો અને ૯૭ તરુણ શ્રમિકોને મુક્ત કરવામાં આવ્યા છે તેમજ ગત પાંચ વર્ષમાં દોષિતો સામે ૧૦ ફોજદારી કેસ અને ૦૫ એફ.આઈ.આર. નોંધાઈ છે.
બાળ મજૂરીને નાથવા માટે દર વર્ષે તારીખ ૧૨ જૂનને ‘‘વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ'' તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારે વર્ષ ૧૯૮૬માં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો હતો. આ અધિનિયમ ૦ થી ૧૪ વર્ષના બાળકોને કોઈપણ પ્રકારના કામ પર રાખવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત ૧૪ થી ૧૮ વર્ષના તરુણોને જોખમી ધંધાઓમાં પ્રતિબંધ અને બિનજોખમી વ્યવસાય પર રાખવા માટે જરૂરી નિયમો હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં આ અધિનિયમમાં કરાયેલા સુધારા બાદ કાયદાનું નામ ‘‘બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ'' કરવામાં આવ્યું છે.
બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) કાયદાનો ભંગ કરનાર સામે દંડની જોગવાઈ કરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકારે સુધારો કર્યો છે. આ કાયદામાં દંડની જોગવાઈમાં સુધારો કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. ગુજરાતમાં કરવામાં આવેલા સુધારા મુજબ કાયદાના ભંગ બદલ ૬ માસથી બે વર્ષ સુધીની કેદ અથવા રૂ. ૨૦ હજારથી લઈને એક લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે દોષિતો આ જ પ્રકારનો ગુનો બીજીવાર કરે તો તેવા સંજોગોમાં ૧ વર્ષથી લઈને ૩ વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યમાં બાળમજૂરી વિરોધી કાયદાના અસરકારક અમલીકરણ માટે દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક વિશેષ જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા દર મહિને નિયમિત બેઠક યોજી રેડનું આયોજન કરી બાળ મજૂરોને મુક્ત કરાવે છે. બાળમજૂરી અટકાવવા માટે રેડ કર્યા બાદ બાળકોને રેસ્કયુ કરીને તેમનું રિહેબિલિટેશન (પુનર્વસન) પણ કરવામાં આવે છે.
મુક્ત કરાયેલાં બાળકોને ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવે છે અને ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC) દ્વારા જરૂરી તપાસ બાદ માતા-પિતાને સોંપવામાં આવે છે. બિન-ગુજરાતી બાળકોને તેમના રાજ્યની CWC મારફતે વાલીઓને સુરક્ષિત રીતે સોંપવામાં આવે છે. મુક્ત કરાયેલાં તમામ બાળકોની ઉંમર પ્રમાણે શાળા પ્રવેશ અપાવે છે. મુક્ત કરાયેલ બાળકનાં માતા-પિતા પાસે કોઈ આર્થિક ઉપાર્જનનું સાધન ન હોય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સંચાલિત વિવિધ રોજગારલક્ષી યોજનાઓનો લાભ અપાવી તેમના પરિવારનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે.
વિશ્વભરમાં આ વર્ષે ૨૦૨૫માં ‘‘સેફ એન્ડ હેલ્ધી પેઢી'' થીમ સાથે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ ઉજવવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય યુવાન કામદારોની સલામતી, આરોગ્યમાં સુધારો કરવાનો અને તમામ પ્રકારની બાળ મજૂરીનો વહેલામાં વહેલી તકે અંત લાવવાનો છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
