News of Saturday, 14th June 2025
જામનગરમાં ફરી મેગા ડિમોલેશન : બચુનગરના 294 મકાનો પર બુલડોઝર ફર્યું!
૨૦૦ કરોડની કિંમતી જમીન ખુલ્લી કરવા તંત્રની મોટી કવાયત : ૨૦૦થી વધુ કર્મચારીઓ અને પોલીસ કાફલા સાથે ૧૨ જેસીબી-૩ હિટાચી મશીનો કામે લાગ્યા

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, 14 જૂન 2025: જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે આખરે બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે 294 જેટલા મકાનો સહિતના દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરીને આશરે 200 કરોડ રૂપિયાની કિંમતી જમીન ખુલ્લી કરાવવાની કામગીરીનો પ્રારંભ થયો છે.
આ ભવ્ય ડિમોલેશન ઓપરેશન માટે મહાનગરપાલિકાના 100 થી વધુ કર્મચારીઓ અને 100 થી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ 12 જેસીબી મશીન, 3 હિટાચી મશીન અને 12 થી વધુ ટ્રેક્ટર સહિતની આધુનિક મશીનરીને કામે લગાડવામાં આવી હતી.
રંગમતી-નાગમતી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાની કવાયત
જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી અને નાગમતી નદીને તેના મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે અને નદી પટમાં થયેલા દબાણો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. ગત એપ્રિલ માસથી શરૂ થયેલી આ કાર્યવાહી આજે અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચી છે.
ખાસ કરીને બચુનગર વિસ્તારમાં અંદાજે 394 જેટલા ગેરકાયદેસર મકાનો ખડકી દેવાયેલા હતા. આ તમામ દબાણો ખાલી કરવા માટેની અંતિમ નોટિસો અગાઉ જ આપી દેવામાં આવી હતી, અને માલસામાન ખસેડવા માટે પણ પૂરતો સમય આપવામાં આવ્યો હતો. આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આજે સવારથી મેગા ડિમોલેશન કાર્ય શરૂ કરી દેવાયું હતું.
ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થા
આ ડિમોલેશન કાર્ય મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં પાર પાડવામાં આવ્યું. તેમની રાહબરી હેઠળ આસિસ્ટન્ટ કમિશનર, કંટ્રોલિંગ અધિકારી, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના અધિકારીઓ, ઉપરાંત એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ સહિત 100 કર્મચારીઓની ટીમ જોડાઈ હતી.
બીજી તરફ, જિલ્લા પોલીસવડા અને સિટી ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ સિટી એ. ડિવિઝનના પી.આઈ.ની રાહબરી હેઠળ મહિલા પોલીસ સહિત 100 થી વધુ પોલીસ જવાનોનો કાફલો સુરક્ષા માટે તૈનાત કરાયો હતો.
જુદી જુદી ત્રણ ટીમો બનાવીને ડિમોલેશનની કામગીરીને વધુ ઝડપી બનાવવામાં આવી હતી. આ કામગીરી સમયે સ્થાનિક લોકોના મોટા ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા, જોકે કોઈ અનિચ્છનીય ઘટના વગર શાંતિપૂર્ણ રીતે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. (તસ્વીર - કિંજલ કારસરીયા, જામનગર)
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
