તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Saturday, 14th June 2025
સૌરાષ્ટ્રના મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો
અસહ્ય બફારા બાદ બપોર પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું: વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

આજે બપોર બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદા એન્ટ્રી કરી છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરથી માંડીને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે. આજે 14 જૂન છે, ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં દિવસભરના અસહ્ય બફારા બાદ બપોર પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
અચાનક વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી છે. આ સાથે જ વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ખેતી પ્રધાન સૌરાષ્ટ્રમાં વરસાદનું વહેલું આગમન ખેડૂતો માટે શુભ સંકેત માનવામાં આવે છે. આગોતરા વરસાદના કારણે વાવણી માટે અનુકુળ વાતાવરણ બનશે અને ખેડૂતો સમયસર વાવણી કરી શકશે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
