News of Tuesday, 17th June 2025
બોટાદ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ : ખાંભડા ડેમના ચાર દરવાજા ખોલાયા: 40 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
તંત્ર દ્વારા જિલ્લા પોલીસ, આરોગ્ય વિભાગ, તાત્કાલિક સેવા - 108, ફાયર વિભાગ તેમજ અન્ય સહાયક તંત્રોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા

બોટાદ જિલ્લામાં સતત સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આવા સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર જીન્સી રોય સતત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી તેમણે તમામ તાલુકાઓના અધિકારીઓ સાથે સંપર્કમાં રહી માર્ગદર્શન આપ્યું હતું.
બોટાદ જિલ્લાના ચારેય તાલુકામાં ભારે વરસાદના કારણે લોકો ફસાયાના સમાચાર મળતા જ નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે બોટાદ જિલ્લા કલેકટર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા જિલ્લા પોલીસ, આરોગ્ય વિભાગ, તાત્કાલિક સેવા - 108, ફાયર વિભાગ તેમજ અન્ય સહાયક તંત્રોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ અફવાઓથી દૂર રહે અને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા આપવામાં આવતા સૂચનોને અનુસરે
બરવાળા તાલુકામાં ભારે વરસાદના પગલે ખાંભડા ડેમના ચાર દરવાજા ખોલાયા હતા. જે પૈકી આજે બે દરવાજા બંધ કરાયા છે. પ્રાંત અધિકારી બરવાળાએ ડેમની મુલાકાત લીધી અને સમીક્ષા કરી હતી. ભારે વરસાદના કારણે ખાંભડા ડેમની જળ સપાટીમાં વધારો થયો હતો. પરિણામે, નજીકના વિસ્તારોમાં રહેતા 40 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પ્રભાવિત થતા લોકોને પાવન સ્કૂલ ખાતે કેમ્પમાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તમામ સ્થળાંતરિતો માટે દૂધ- નાસ્તો, ભોજન સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત તમામ માટે આરામદાયક અને સુરક્ષિત વાતાવરણ ઉભું કરાયું છે. જ્યાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા મુલાકાત કરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
