News of Tuesday, 17th June 2025
જામનગરના દશરથસિંહ જાડેજાએ દેશભરમાં રાજપૂત સમાજ અને પરિવારનું ગૌરવ વધાર્યું : SBIમાં સ્પે. ઓફિસર તરીકે 15મા ક્રમે પસંદગી!
મૂળ મોડપર (મોરબી) ના આ મધ્યમવર્ગીય યુવાને ગુજરાતમાંથી પસંદ થયેલા માત્ર બે ઉમેદવારોમાં સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી : હવે હૈદરાબાદ ખાતે ફરજ બજાવશે

(મુકુંદ બદીયાણી દ્વારા), જામનગર : જામનગર અને સમગ્ર રાજપૂત સમાજ માટે ગર્વ લેવા જેવી ઘટના સામે આવી છે. મૂળ મોડપર (મોરબી) ના વતની અને હાલ જામનગરમાં રહેતા રાજપૂત યુવાન દશરથસિંહ પ્રતાપસિંહ જાડેજા એ ભારતીય સ્ટેટ બેંક (SBI) દ્વારા આયોજિત સ્પેશિયલ ઓફિસર (Special Officer) ની સીધી ભરતી પ્રક્રિયામાં દેશભરમાંથી 15મા ક્રમે પસંદગી પામીને પોતાના પરિવાર અને જામનગરનું ગૌરવ વધાર્યું છે.
દશરથસિંહ જાડેજા એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેમની મહેનત અને લગનનો આ એક ઉજ્જવળ દાખલો છે. અગાઉ તેઓ જામનગરની એક ખાનગી બેંકમાં ફોરેન એક્સચેન્જ વિભાગમાં ફરજ બજાવતા હતા. તાજેતરમાં, ભારતીય સ્ટેટ બેંક દ્વારા આ જ કામગીરી માટે સ્પેશિયલ ઓફિસરની ભરતી માટે અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી.
આ ભરતી પ્રક્રિયા અંતર્ગત દેશભરની 150 જેટલી જુદી જુદી શાખાઓમાં ફોરેન એક્સચેન્જ અધિકારી તરીકેની જગ્યાઓ ભરવાની હતી. આ માટે સમગ્ર ગુજરાતમાંથી કુલ 20 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી માત્ર બે ઉમેદવારો જ અંતિમ પસંદગી પામ્યા હતા. આ બે ઉમેદવારોમાં જામનગરના દશરથસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાંથી પસંદ કરાયેલા કુલ 130 ઉમેદવારોની યાદીમાં દશરથસિંહ જાડેજાએ 15મો ક્રમ મેળવીને પોતાની અસાધારણ ક્ષમતા સાબિત કરી છે. તેમની નિમણૂક હૈદરાબાદ ખાતે કરવામાં આવી છે, જ્યાં તેઓ ભારતીય સ્ટેટ બેંકમાં સ્પેશિયલ ઓફિસર તરીકે પોતાની સેવાઓ આપશે. દશરથસિંહની આ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
