<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

લાઠીદડની દુર્ઘટનામાં ૪૦ કલાક પછી પણ પાંચ વ્‍યકિતની ભાળ મળી નથીઃ વિંછીયા ખાતે સાસુ-વહુની સાથે અંતિમવિધિ : હૈયાફાટ રૂદન : ત્રણ પરિવારનો માળો પિંખાયો

બચી ગયેલા યશવંતભાઇએ માતા અને પત્‍નિ ગુમાવ્‍યાઃ અપરણિત પ્રિયંકભાઇએ અગાઉ પિતા અને આ દુર્ઘટનામાં માતા અને બે બહેનો ગુમાવ્‍યા : ત્રણ જ કિ.મી. દુર આવેલા મંદિરે માનતા પુરી કરી પરત આવતા હતા, હવે પરિવારજનો જીંદગીથી જ દુર જતા રહયા : સામાન્‍ય પરિવાર ઉપર આભ ફાટયું

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૧૮: બોટાદ પંથકમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને લીધે બોટાદ જીલ્લાના લાઠીદડ ગામે ઇકો કાર પાણીમાં તણાઇ ગઇ હતી. જેમાં સાત લોકો ગુમ થયા હતા જેમાંથી વિંછીયા ખાતે રહેતા સાસુ-વહુના મૃતદેહ મળી આવતા આજે સવારે વિંછીયા ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. જયારે બનાવના ૪૦ કલાક બાદ પાંચ વ્‍યકિતની હજુ ભાળ મળી નથી.

બે દિવસ પહેલા શિવરાજગઢથી બાબુભાઇ તુલસીભાઇ મહાલીયા (ઉ.વ.૭પ), પત્‍નિ શારદાબેન અને લાઠીદડથી રોકાવા આવેલ દીકુબેન મહેશભાઇ મહાલીયા (ઉ.વ. ૧૭) વિંછીયા આવેલા, વિંછીયાથી ઇકો કાર લઇ વિંછીયા રહેતા યશવંતભાઇ કનુભાઇ વાવેતા, યશવંતભાઇના માતા મંજુબેન અને પત્‍નિ  નયનાબેન સહિત ૬ જણા લાઠીદડ જવા નિકળ્‍યા.

લાઠીદડ પ્રથમ ઘરે જવાને બદલે પ્રિયંકભાઇ મહેશભાઇ મહાલીયા તેમના માતા નીતાબેન અને બહેન રીનુબેનને લાઠીદડ બસ સ્‍ટેન્‍ડ ઉપર જ બોલાવી કુલ ૯ જણા લાઠીદડથી માત્ર ૩ કિ.મી. દુર આવેલા મંદીરે માનતા પુરી કરવા ગયા.

માનતા પુરી કરી પરત આવતા હતા એ દરમિયાન ભારે વરસાદને લીધે પાણીના પ્રવાહમાં ઇકો કાર તણાવા લાગી. આ દરમિયાન યશવંતભાઇ અને પ્રિયંકભાઇ મહામુસીબતે બહાર નિકળી શકયા જયારે બાબુભાઇ, તેમના પત્‍નિ શારદાબેન તેમજ મંજુબેન ઉંમર લાયક હોય બહાર નિકળી શકયા નહી તેમજ નયનાબેન, નીતાબેન, રીનુબેન અને દીકુબેન પણ મહિલા હોય તરતા આવડતુ ન હોય તેઓ પણ ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર ન નિકળી શકયા જેમાંથી માત્ર બે લાશ મળી છે. જયારે બાકીના પાંચની ૪૦ કલાકથી વધુ સમયથી એન.ડી.આર.એફ. સ્‍થાનીક ફાયર જવાનો, પોલીસ સહિતના શોધખોળ કરી રહયા હોવા છતા હજુ સુધી ભાળ મળી નથી.

આજે વિંછીયા ખાતે સાસુ-વહુની એક સાથે અંતિમ યાત્રા નિકળતા પરિવારજનોમાં કોણ કોને છાનુ રાખે તેવી સ્‍થિતિ નિર્માણ થઇ હતી.

હજુ ગુમ થયેલા પાંચ વ્‍યકિતની ભાળ મેળવવા તંત્ર દ્વારા શોધખોળ ચાલી રહી છે.

જો કે જાણકારોના જણાવ્‍યા મુજબ પાણીનો પ્રવાહ ખુબ વધુ હોવાથી ઘટના બની તેનાથી દુર ગુમ થયેલા વ્‍યકિતઓ તણાઇને જતા રહયા હોય એ આશંકાએ સ્‍થાનીક તંત્ર દ્વારા નીચેના વિસ્‍તારના સ્‍થાનીક તંત્રને જાણ કરી પોતપોતાના વિસ્‍તારમાં ગુમ થયેલા પાંચ શખ્‍સોની શોધખોળ કરવા જણાવ્‍યું છે.

પ્રજ્ઞાચક્ષુ પુત્રએ અને માતા વિહોણા પોૈત્રએ આશરો ગુમાવ્‍યો

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧૮: આ દુર્ઘટનાનો ભોગ બનેલા બાબુભાઇ તુલશીભાઇ મહાલીયા નિવૃત કંડકટર હતા તેમને સંતાનમાં બે પુત્રો છે જેમાંથી મોટા પુત્ર નવિનભાઇ પ્રજ્ઞાચક્ષુ હોય અપરણિત છે જયારે બીજા પુત્ર અશ્વિનભાઇ પરણિત છે તેમને પણ એક પુત્ર છે પરંતુ વર્ષો પહેલા પત્‍નિ સાથે મનમેળ ન રહેતા છુટા-છેડા લઇ લીધા હતાં.

આ દુર્ઘટનામાં બાબુભાઇ સાથે તેમના પત્‍નિ શારદાબેન પણ ગુમ છે ત્‍યારે તેમના પ્રજ્ઞાચક્ષુ પુત્ર અને પોૈત્રના હૈયાફાટ રૂદને બધાને રડાવી દીધા છે.

પ્રજ્ઞાચક્ષુ પુત્ર અને મા વિનાના પોૈત્રની શારદાબેન કે જેઓ વૃધ્‍ધ થયા હોવા છતા સંપૂર્ણ જવાબદારી નિભાવતા હતાં તેમના જવાથી પ્રજ્ઞાચક્ષુ પુત્ર અને માતા વિનાના પોૈત્રના રૂદને ભલભલાની આંખો ભીની કરી નાંખી હતી.

પ્રિયંકે અગાઉ પિતા અને હાલ માતા અને બે બહેનો ગુમાવી

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧૮: મુળ શિવરાજગઢના અને હાલ લાઠીદડ ખાતે રહી ખાનગી દવાખાને નોકરી કરતા પ્રિયંકભાઇ મહેશભાઇનો આખો પરિવાર લાંબા ગામતરે નિકળી ગયો છે.

પ્રિયંકભાઇના પિતા મહેશભાઇનું અગાઉ અવસાન થયું હતું. પ્રિયંકભાઇ હાલ માત અને બે બહેનો સાથે લાઠીદડ રહેતો હતો. પ્રિયંકની નાની બહેન દીકુબેન જે શિવરાજપુર રોકાવા ગઇ હતી ત્‍યાંથી પરત આવતા પ્રિયંક, માતા નિતાબેન અને બહેન રીનુબેન સાથે લાઠીદડથી માનતા પુરી કરવા ઇકોમાં બેઠા હતા ત્‍યારે પ્રિયંકને કયા ખબર હતી પિતા બાદ આજે હું માતા અને બે બહેનો પણ ગુમાવી દઇશ.

હાલ પ્રિયંક એક જ રટણ કરે છે હવે મારે કોના માટે જીવવાનું ઇશ્વર મને પણ મારા પરિવાર પાસે લઇ જા!.

(11:16 AM IST)