<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં વરસાદનું જોર ઘટયુઃ ઝાપટા યથાવત

સવારે વાદળા સાથે પવનના સૂસવાટાઃ ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ જીલ્લામાં પ્રથમ વરસાદે જ ભુક્કા બોલાવી દીધા

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં ગીર સોમનાથ, ત્રીજી તસ્‍વીરમાં આટકોટમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીરઃ દિપક કક્કડ (વેરાવળ) કરશન બામટા (આટકોટ).

રાજકોટ, તા. ૧૯: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારથી વરસાદનું જોર ઘટયુ છે માત્ર ઝાપટારૂપે વરસાદ કોઇ કોઇ જગ્‍યાએ વરસી જાય છે.

ગઇકાલ સાંજથી પવનના સુસવાટા ફુંકાઇ રહયા છે જે આજે સવારે પણ યથાવત છે અને મિશ્ર વાતાવરણ સાથે વાદળા છવાયેલા છે.

ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, જુનાગઢ જીલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદે ભુકકા બોલાવી દીધા છે. જો કે સાર્વત્રિક વરસાદની રાહ જોવાઇ રહી છે.

સારો વરસાદ પડતા અનેક જગ્‍યાએ વાવણીના શ્રીગણેશ થયા છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ અમરેલી જીલ્લાના લાઠી, લીલીયા, બગસરા, સાવરકુંડલા, ખાંભા, જાફરાબાદમાં ઝાપટા પડયા છે.

ગીર સોમનાથ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ ગીર

સોમનાથ જિલ્લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં અત્‍યાર સુધીનો સરેરાશ ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વેરાવળ-પાટણ અને સુત્રાપાડા તાલુકામાં ૫ ઇંચ વરસાદ નોંધાયો છે.

સામાન્‍ય રીતે ૧૫ જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. ત્‍યારે આ વર્ષે પણ ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં સિઝનનો વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે.

ગીર સોમનાથ જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે. જેમાં આ વર્ષના ચોમાસાની શરૂઆતથી તા.૧૮-૦૬-૨૦૨૫ને સાંજના ૪ વાગ્‍યા સુધીના વરસાદના આંકડા જોઇએ તો, તાલાલામાં ૯૫, ઉનામાં ૧૦૧, કોડિનારમાં ૧૦૫, સુત્રાપાડામાં ૧૨૯, વેરાવળ-પાટણમાં ૧૨૦ અને ગીર ગઢડામાં ૮૩ મી.મી. વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં અત્‍યાર સુધી કુલ સરેરાશ ૧૦૫.૫ મી.મી. વરસાદ પડ્‍યો છે. જેમાં સૌથી વધુ સૂત્રાપાડા તાલુકામાં અને સૌથી ઓછો વરસાદ ગીર ગઢડા તાલુકામાં નોંધાયો છે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટઃ આટકોટ એક દીવસ વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્‍ટ્રી કરી રસ્‍તા પર પાણી વહી નીકળ્‍યા હતા ખેતરો બહાર પાણી નીકળી ગયાં હતાં જ્‍યારે હજુ ધણાં ખેડુતોને વાવણી કરવાની બાકી છે ત્‍યારે આજે ખારચીયા સહિત વિસ્‍તારોમાં ખેડુતોએ બળદોને કુમકુમ તિલક કરી વાવણીનાં શ્રી ગણેશ કર્યા હતા બુધવારે બપોરે વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્‍યો હતો રસ્‍તા પર પાણી વહી નીકળ્‍યા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજપરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૯ સે.ગ્રે. મહતમ તાપમાન ૩ર.૬ સે.ગ્રે., ભેજનું પ્રમાણ ૭૯ ટકા, પવનની ગતિ ૧૭.૮ કિ.મી. રહી હતી.

(11:42 AM IST)