<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

અમરેલી બગસરા હાઇવે પર ટાયર ફાટતાં ટ્રક પલ્‍ટી ખાઇ ગયોઃ જુનાગઢના હનીફભાઇનું મોત

માલ ભરી અમરેલી જતી વખતે બનાવઃ રાજકોટમાં સારવારમાં મૃત્‍યુ થતાં કુરેશી પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૯: અમરેલી બગસરા હાઇવે પર ટ્રક પલ્‍ટી ખાઇ જતાં ચાલક જુનાગઢના પ્રોૈઢનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થયું છે. માલ ભરીને જુનાગઢથી અમરેલી જતી વખતે  આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ જુનાગઢમાં માત્રી રોડ પર કુંભારવાડામાં અકબરી એપાર્ટમેન્‍ટની બાજુમાં રહેતાં હનીફભાઇ રહીમભાઇ કુરેશી (ઉ.વ.૫૩) ગઇકાલે જુનાગઢથી ટ્રકમાં માલસામાન ભરી અમરેલી ખાલી કરવા જવા નીકળ્‍યા હતાં. દરમિયાન અમરેલી-બગસરા હાઇવે પર પહોંચ્‍યા ત્‍યારે ટ્રકનું ટાયર ફાટતાં તેમણે સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક ગોથું મારી ગયો હતો. આ કારણે હનીફભાઇને ગંભીર ઇજાઓ થઇ હતી.

બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં અને પોલીસ પણ પહોંચી હતી. કોઇએ ૧૦૮ બોલાવતાં હનીફભાઇને  અમરેલી સારવાર માટે ખસેડાયા હતાં. પરિવારજનોને જાણ થતાં તેઓ પહોંચ્‍યા હતાં અને હનીફભાઇની હાલત ગંભીર હોઇ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દીધો હતો. ખાનગી હોસ્‍પિટલ મારફત બનાવની જાણ સ્‍થાનીક પોલીસને કરવામાં આવતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

મૃત્‍યુ પામનાર હનીફભાઇ પાંચ ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્રી છે. મોભીના મોતથી કુરેશી પરિવારમાશ્રં માતમ છવાઇ ગયો હતો.

(12:10 PM IST)