<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

નિખીલ દોંગાને હાજર થવા પોલીસનું ફરમાન

પટેલ સમાજ-ભાજપ અગ્રણીઓને બદનામ કરવાના ૬ ગુન્‍હામાં : યુ ટયુબર બન્ની ગજેરા અને પિયુષ રાદડીયાને આર્થિક મદદગારી કરનાર નિખિલ દોંગાને ૧૦ દિ'માં હાજર થવા પોલીસે લેખીત નોટીસ ઇસ્‍યુ કરી છે : એસપી હિમકરસિંહ

રાજકોટ, તા., ૧૯ : પટેલ સમાજ અને ભાજપ અગ્રણીઓને બદનામ કરતા વિડીયો વાયરલ કરી તોડ કરવાના પ્રયાસનાં  કાવત્રામાં યુ ટયુબર બન્ની ગજેરા અને પિયુષ રાદડીયાને આર્થિક મદદગારી કરનાર નામચીન નિખિલ દોંગાને ૧૦ દિ'માં હાજર થવા રૂરલ પોલીસે લેખીત નોટીસ ઇસ્‍યુ કરી ફરમાન કર્યુ હોવાનું રૂરલ એસપી હિમકરસિંહે જણાવ્‍યું હતું.

મળતી વિગતો મુજબ પટેલ સમાજ અને ભાજપ અગ્રણીઓને બદનામ કરતા વિડીયો વાયરલ કરી તોડ કરવાના પ્રયાસ અંગે યુટયુબર બન્ની ગજેરા સામે ગોંડલ સીટી પોલીસ  સહિત જીલ્લામાં  ૬ ગુન્‍હાઓ  નોંધાયા હતા. પોલીસ તપાસમાં યુ ટયુબર બન્ની ગજેરાને પિયુષ રાદડીયાએ મદદગારી  કરી હોવાનું ખુલતા બંન્નેની ધરપકડ કરાઇ હતી.

યુ ટયુબર બન્ની ગજેરા અને પિયુષ રાદડીયાને મોબાઇલ ફોનની પોલીસે તપાસ કરતા આ બંન્ને નામચીન નિખિલ દોંગા સાથે સંપર્કમાં હોવાનું અને તે પણ આ કાવત્રામાં સામેલ હોવાનું ખુલતા નિખિલિ દોંગાની શોધખોળ હાથ ધરાઇ હતી.  પરંતુ તે મળી આવ્‍યો ન હતો.  નિખીલ દોંગા તાજેતરમાં જ ગુજસીટોકના ગુનામાં જામીન ઉપર છુટયો હતો. અને જામીન ઉપર છુટયા બાદ તેનું સરનામું પોલીસ સમક્ષ ન આપતા જામીન શરત ભંગ અંગે રૂરલ પોલીસ દ્વારા તેના જામીન રદ કરવા  કોર્ટમાં અરજી કરાઇ હતી.

દરમિયાન પટેલ સમાજ અને ભાજપ અગ્રણીઓને બદનામ કરવાના કાવત્રામાં નિખીલ દોંગાને ૧૦ દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા પોલીસે લેખીત નોટીસ ઇસ્‍યુ કરી છે અને તે ૧૦ દિવસમાં હાજર ન થાય તો આગળની કાર્યવાહી કરાશે તેમ  રૂરલ એસપી હિમકરસિંહે જણાવ્‍યું હતું. 

(4:20 PM IST)